બેંગકોકમાં મેદાંતા હોસ્પિટલની એર એમ્બ્યુલન્સ ક્રેશઃ પાઈલટનું મોત

નવી દિલ્હી: હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની એક એર એમ્બ્યુલન્સ સોમવારે રાત્રે બેંગકોક નજીક આગ લાગવાથી ક્રેશ થઈ જતાં પાઈલટનું મોત થયું હતું અને અન્ય ચાર ઘવાયા હતા. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આ દુર્ઘટનાની જાણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે પાંચ લોકોને લઈને જઈ રહેલી આ એર એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તેમણે પોતાના બીજા ટ્વિટમાં જણાવ્યું હતું કે એર એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં ઘાયલ થયેલ અન્ય ચારને આર્મીના હેલિકોપ્ટર દ્વારા બેંગકોકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલામાં બે ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ અનુસાર આ અકસ્માતમાં પાઈલટ અરુનાશકા નંદીનું મૃત્યુ થયું છે, જ્યારે ડો. શૈલેન્દ્ર અને ડો. કોમલની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. અન્ય બેને નજીવી ઈજાઓ થઈ છે. મેદાંતા હોસ્પિટલે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે આજે સવારે મેદાંતા હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) ડો. નરેશ ત્રેહન સ્વયં બેંગકોક જઈ રહ્યા છે. ડો. નરેશ ત્રેહને જણાવ્યું હતું કે એર એમ્બ્યુલન્સ ફેફસાંની બીમારી પીડાતા દર્દીને લાવવા બેંગકોક ગઈ હતી.
વિમાને નવી દિલ્હીથી રવિવારે બેંગકોક માટે ઉડાન ભરી હતી. તે રસ્તામાં ઈંધણ ભરવા માટે કોલકાતા રોકાઈ હતી અને ત્યારબાદ નાખોન પેથેમ એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. મેદાંતા હોસ્પિટલ પીડિત પરિવારના સંપર્કમાં છે. આ અગાઉ ભારતીય મિશન તરફથી દુર્ઘટનાની જાણ થતાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે અનેક ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

રાત્રે ૧૦.૧૧ કલાકે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતીય મિશને મને હમણાં જાણ કરી છે કે એર એમ્બ્યુલન્સના પાઈલટ અરુનાશકા નંદીનું મૃત્યુ થયું છે. આ સાથે તેમણે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઈજાગ્રસ્તોને તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું છે કે એર એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવી રહેલા કિરીટ શાહ સાથે વાત કરીને તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. કિરીટ શાહે જણાવ્યું હતું કે તેમનાં પત્ની મીનાક્ષી શાહની સ્થિતિ કાબૂમાં છે. વિદેશ પ્રધાને આ યુગલને ખાતરી આપી હતી કે બેંગકોક સ્થિત ભારતીય મિશન તેમને તમામ પ્રકારની મદદ કરશે.
http://sambhaavnews.com/

You might also like