શહેરમાં તફડંચી અને ચોરીનો સિલ‌િસલોઃ લોકોએ રૂપિયા ૧૬ લાખની મતા ગુમાવી

અમદાવાદ: શનિ-રવિની રજામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ. ૧૬ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે મણિનગરમાં ભૈરવનાથ રોડ પર અાવેલી રાધનપુરનગર સોસાયટીના એક મકાનનો નકૂચો તોડી તસ્કરો તિજોરીમાંથી અાશરે રૂ. બે લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

રામોલમાં સીટીએમ બીઅારટીએસ બસસ્ટેન્ડ નજીક ઊભેલા રમણલાલ શિવાભાઈ પટેલની નજર ચૂકવી ગઠિયો તેમના ખિસ્સામાંથી રૂ. ૩૦ હજારની રકમ તફડાવી ફરાર થઈ ગયો હતો. દાણીલીમડામાં ગુલીવાલા કમ્પાઉન્ડ ખાતે અાવેલ શાહી ભારત બેકરીનું શટર ઊંચું કરી તસ્કરોએ રૂ. ૬૧ હજારની રકમની ચોરી કરી હતી. સરદારનગરમાં નરોડા બેઠક પાસે અાવેલ કચ્છ-કડવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયેલ એક લગ્ન સમારંભમાં નયનાબહેન પટેલ નામની મહિલાની નજર ચૂકવી ગઠિયો રૂ. સવા ચાર લાખની મતા સાથેનો પર્સ તફડાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો.

અા ઉપરાંત વસ્ત્રાપુરમાં ટીવી ટાવર નજીક પાર્ક કરેલ એક કારનો કાચ તોડી ગઠિયો રૂ. એક લાખની કિંમતના ત્રણ લેપટોપ તફડાવી ગયા હતા. જ્યારે સેટેલાઈટમાં ઈસ્કોન સર્કલ નજીક પાર્ક કરેલ એક કારમાંથી રૂ. ૫૫ હજારની કિંમતના લેપટોપ, મોબાઈલ અને કેમેરાની કોઈ શખસોએ તફડંચી કરી હતી. તેમજ સેટેલાઈટમાં સ્ટારબજાર નજીક પાર્ક કરેલી રૂ. પાંચ લાખની કિંમતની સ્ક્વોડા ગાડીની વાહનચોર ટોળકીએ સાંજના સુમારે ઉઠાંતરી કરતાં પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like