એક જ રિવોલ્વરથી PI સુબોધ-સુમિતની હત્યા થઈ હતીઃ ઇન્ટેલિજન્સ રિપોર્ટ

બુલંદશહર: બુલંદશહર હિંસામાં માર્યા ગયેલા ઇન્સ્પેકટર સુબોધકુમારસિંહ અને ગ્રામીણ સુમિતની હત્યા એક જ બોરની રિવોલ્વરથી થઇ છે એવો દાવો એડીજી ઇન્ટેલિજન્સ એસપી શિરોડકરના તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બુલંદશહર હિંસા અંગેનો ઈન્ટેલિજન્સ રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ રિપોર્ટ પર આગળની કાર્યવાહી કરી શકે છે.

એડીજી ઇન્ટેલિજન્સ એસપી શિરોડકરે આ મામલામાં પોતાનો તપાસ અહેવાલ ગૃહ વિભાગને સોંપી દીધો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્સ્પેકટર સુબોધ અને સુમિતની હત્યા એક જ બોરની રિવોલ્વરની ગોળીથી થઇ હતી. સાથે જ આ રિપોર્ટમાં સમગ્ર ઘટનાને એક પૂર્વયોજિત કાવતરું ગણાવાયું છે.

રિપોર્ટમાં જણાવાયું હતું કે ઇન્સ્પેકટર સુબોધ હેલ્મેટ વગર અને કોઇ પણ જાતના બોડી પ્રોટેકશન વગર જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં સિનિયર પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર મોડા પહોંચ્યા હતા. ઘટના ૯-૩૦ કલાકની છે. જ્યારે અધિકારીઓ ૧૧-૩૦ કલાકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એક પૂર્વયોજિત સા‌િજશના ભાગરૂપે ટ્રેકટર ટ્રોલી પર પ્રતિબંધિત માંસ રાખીને આરોપીઓ ભાગી રહ્યા હતા, જેના કારણે પોલીસને ટ્રોલી હટાવવામાં નિષ્ફળતા મળી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઘટનાના થોડા સમય બાદ જ ધાર્મિક કાર્યક્રમમાંથી માનવ મેદની આજ રસ્તા પરથી પસાર થવાની હતી અને તેથી સ્થિતિ વધુ સ્ફોટક બની શકે તેમ હતી.

You might also like