શારીરિક અક્ષમ, કોરિયોગ્રાફીમાં સક્ષમ!

દિવ્યાંગ વ્યક્તિઓમાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવાની અલૌકિક શક્તિ ચોક્કસ હોય છે. સુરતમાં રહેતા કલ્પેશભાઈને ચાર વર્ષની ઉંમરે ઇન્જેકશનના કારણે બંને પગે લકવાની અસર થઈ ગઈ હતી. તેઓ નાનપણથી શારીરિક અક્ષમ બની ગયા. જોકે તેઓ ડાન્સમાં ખૂબ જ રુચિ ધરાવતા હતા, તેથી વ્હિલચેર પર પણ ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા. તેઓ જુદીજુદી ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ પણ લેતા અને વિજેતા પણ બનતા હતા.

કલ્પેશભાઈ આ શોખને લીધે ડાન્સની કળામાં તો માહેર છે જ પરંતુ હવે તેઓ ડાન્સની મદદથી આજીવિકા પણ રળી રહ્યા છે. હાલ તેઓ સુરત સહિત અન્ય રાજ્યોમાં ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપે છે. તેઓ અમદાવાદની શશિકલા એકેડેમી સાથે પણ સંકળાયેલા છે. જેમાં તેઓ શારીરિક અક્ષમ તથા સક્ષમ બાળકોને પણ ડાન્સની તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે.

દર વર્ષે યોજાતી ‘મિસ્ટર વ્હિલચેર ઈન્ડિયાની’ સ્પર્ધામાં કલ્પેશભાઈ વિવિધ થીમ પર ડાન્સ રજૂ કરે છે. તેઓ કહે છે, “શારીરિક અક્ષમ લોકોને પ્રેરણા મળે અને તેઓ પોતાની અંદર રહેલી સ્કીલને બહાર લાવે તે હેતુથી હું આવા લોકોને તાલીમ આપીને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તથા હેલ્પલાઈનના માધ્યમથી આવા લોકોને જાગ્રત પણ કરી રહ્યો છું.” દિવ્યાંગો માટે કલ્પેશભાઈનો આ પ્રયાસ અભિનંદનને પાત્ર છે.

You might also like