ફોટોગ્રાફીઃ શાદી સે પહલે ભી, બાદ ભી

728_90

વાત લગ્નની આવે એટલે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી તો હોય જ. આખરે લગ્નના ફોટો અને વીડિયો જ તમામ સ્મૃતિઓ સાચવી રાખે છે અને જીવનભરનું સંભારણું બની રહે છે. હવે ફોટોગ્રાફી પણ પહેલાંના જમાના જેવી નથી રહી. તેમાં પણ અનેક સુધારા અને પરિવર્તન આવ્યાં છે. લગ્ન પહેલાં થતાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ લોકપ્રિય છે. હવે ફોટોગ્રાફી- વીડિયોગ્રાફીમાં આધુનિકતા આવી છે.

અમદાવાદની રૃહ ફોટોગ્રાફીનાં સંચાલક શિખા દલાલ કહે છે, “હું આ ક્ષેત્રમાં પાંચ વર્ષથી કાર્યરત છું. આ પહેલાં હું કોમર્શિયલ પાઇલટ રહી ચૂકી છું. હાલ સિનેમેટોગ્રાફી અને ડિરેક્શન સંભાળું છું. અમે લગ્નનાં ૭પ જેટલાં અસાઈનમેન્ટ માટે ભારતભરનાં વેડિંગ ડેસ્ટિનેશન પર કામ કર્યું છે. અમે માત્ર ફોટોગ્રાફી જ નથી આપતા પણ આજીવન ખુશી આપે તેવી યાદગીરી આપીએ છીએ. જેમાં નાની વાતોનું ધ્યાન રખાય છે.”

“અમે માત્ર લગ્નની વીડિયોગ્રાફી જ નથી કરતાં પરંતુ દરેક લગ્નનાં અસાઈનમેન્ટને ધ્યાનથી સમજી લગ્નના પ્રસંગને એક ફિલ્મની જેમ શૂટ કરીએ છીએ, જેમાં લગ્નને એક નામ અપાય છે અને તેના માટેનું ટ્રેઈલર પણ બનાવવામાં આવે છે. હિસ ટોમબોય બ્રાઈડ, અરેન્જ્ડ ઈન લવ, લવ વીક વગેરે જેવાં નામ વીડિયોગ્રાફીને અપાય છે, જેથી માત્ર વર-વધૂના પરિવારને જ નહીં પરંતુ સૌને તે વીડિયોગ્રાફી જોવામાં રસ પડે. લગ્નવિધિમાં પરંપરાગત લોકગીતોનો ઓડિયો મૂકવાને બદલે જે-તે વિધિ કે પ્રસંગને અનુકૂળ સંગીત મૂકવામાં આવે છે. વર-વધૂના ઈન્ટરવ્યૂ તેમજ તેઓ શું અનુભવી રહ્યાં છે તે પણ બનાવવામાં આવે છે. તેમનાં માતા- પિતા, પરિવાર અને મિત્રોની શુભેચ્છા ઈન્ટરવ્યૂમાં શૂટ કરવામાં આવે છે. ફોટોગ્રાફીમાં પણ પરંપરાગત ફોટોગ્રાફ કે પોઝની જગ્યાએ જે-તે પ્રસંગને જીવનસભર બનાવવાનો પ્રયાસ કરાય છે.”

રૂહ ફોટોગ્રાફીના અન્ય સંચાલક પાર્થ ઓઝા કહે છે કે, “હાલ હું વ્યાવસાયિક ધોરણે ફોટોગ્રાફી કરું છું. અમે ક્ષણને નહીં પણ સ્મૃતિઓને કેદ કરીએ છીએ. ક્લાયન્ટની ઇચ્છા અને જરૃરિયાત પ્રમાણે અમે અસાઈનમેન્ટ પર કામ કરીએ છીએ.” લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા પ્રિ-વેડિંગ ફોટોશૂટ અને ડોક્યુમેન્ટરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સામાન્ય લગ્ન સહેલાઈથી પૂર્ણ થઈ જાય તેટલા બજેટનાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પેકેજીસ હોય છે.

પ્રિ-વેડિંગ શૂટ માટે લોકેશનની પસંદગી ખૂબ મહત્ત્વની બની જાય છે. જે માટે હિલ સ્ટેશન, દરિયાકિનારો, જંગલ કે પછી હેરિટેજ સાઈટ્સને પસંદ કરવામાં આવે છે. જો કે લોકેશનની પસંદગીમાં ફોટોગ્રાફી પેકેજ અને તમારું બજેટ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા શહેરમાં રહેતાં હોવ અને બજેટ ઓછું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન્સનો વીડિયો અને ફોટો શૂટ માટે સુંદર ઉપયોગ કરવામાં આવે છે.

પેકેજ અને પ્લાનિંગ અગત્યનાં
ફોટોગ્રાફીનું બજેટ પ૦ હજારથી માંડીને પાંચ લાખ સુધીનું હોય છે. જેમાં પેકેજ પ્રમાણે યોગ્ય ઈક્વિપમેન્ટ્સથી પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી, વીડિયો શૂટ, કૅટલૉગ, મેંદી, લગ્ન અને વિદાય સમારોહની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો સમાવેશ થાય છે. ૮૦ હજારના બજેટમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે સિટીમાં જ આવેલા ગાર્ડનનો ઉપયોગ કરવામાં આવે છે. દોઢેક લાખનું બજેટ હોય તો શહેરની નજીકનાં સ્થળે એક દિવસનું ફોટો અને વીડિયો શૂટ કરવામાં આવે છે. જ્યાં સવારથી લઈને સાંજ સુધી કાર અને બાઈક્સ સાથે આખી ટીમ જાય છે અને ફોટો કે વીડિયો શૂટ કરે છે.

બેથી ત્રણ લાખના પેકેજમાં બે દિવસનું આઉટડોર ફોટોશૂટ રાખવામાં આવે છે. જેમાં ૧૦  વ્યક્તિની ટીમ ફોટોશૂટ માટે જાય છે. આ પેકેજ અત્યારે હોટ ફેવરિટ છે, કારણ કે આ પેકેજમાં ખૂબ ઝીણવટભર્યું અને ક્વોલિટી કામ થાય છે. આ પેકેજમાં એક વીડિયો સોંગ, કૅટલૉગ અને લગ્નના સમારોહની ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગનો સમાવેશ થાય છે.

ત્રણ લાખથી ઉપરના પેકેજમાં શૂટિંગ માટે ગુજરાત બહાર પુના, લવાસા, મુંબઈ જેવાં લોકેશન્સ પર ફોટો શૂટ માટે પસંદગી ઊતરે છે. જ્યારે કેટલીક પૈસાદાર પાર્ટી વિદેશમાં પણ પ્રિ-વેડિંગ શૂટ માટે જવાનું પ્રીફર કરે છે. આ માટે દુબઈ ફેવરિટ ડેસ્ટિનેશન છે. પ્રિ-વેડિંગ માટે આધુનિક ડીએસએલઆર કેમેરાના ઉપયોગ ઉપરાંત હેન્ડીકૅમ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એક ફોટો શૂટ માટે ત્રણેક ડીએસએલઆર કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટોગ્રાફીનું પેકેજ ડિઝાઈન કરતાં પહેલાં ફોટોગ્રાફર, કપલ અને ફેમિલી વચ્ચે મિટિંગ્સનો દોર ચાલે છે. જેમાં ભાવતાલ કરતાં થીમ, કૉન્સેપ્ટ, લોકેશન્સ અને અન્ય બાબતો ચર્ચાય છે અને પ્રિ-વેડિંગ શૂટનું પ્લાનિંગ બારીકાઈથી કરવામાં આવે છે.

આ અંગે સુરતના ફોટોગ્રાફર કનૈયા પાનવાલા કહે છે, “કોઈ પણ ફોટોગ્રાફી કે વીડિયો શૂટ માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે આખરે તો આ કોઈની જિંદગીનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રસંગ હોય છે.” પોતાનાં લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવનાર ડૉ. રુચિતા ગાંધી કહે છે કે,”અમે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યુ હતું. જોકે ડૉક્ટર કપલ હોઈ સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો તેથી અમારા લંચબ્રેકમાં ફોટોશૂટ કરાવ્યું છે.”

ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા કેતનભાઈ શેઠ  કહે છે, “પહેલાં લગ્નપ્રસંગે શૂટિંગ અને ફોટોગ્રાફી તો થતી જ હતી, પરંતુ તેમાં ફોટો અને વીડિયો બનાવટી લાગતા હતા. જ્યારે હવે થતી ફોટોગ્રાફીમાં અલગ અલગ કોન્સેપ્ટ જોવા મળે છે. જેમાં કેન્ડિડ ફોટોગ્રાફી એટલે કે કોઈના ધ્યાન વગર ફોટોગ્રાફ્સ અને મોમેન્ટ્સ કેપ્ચર કરવામાં આવે છે જેથી તેમાં બનાવટીપણું નથી દેખાતું.”

કપડાંનું સિલેક્શન પણ ખાસ
પ્રિ-વેડિંગ શૂટમાં કપડાંનું સિલેક્શન ખૂબ જ અગત્યનું હોય છે. જેમ કે, કોઈ હિલ સ્ટેશન પર જિન્સ-ટીશર્ટ અને બ્લેઝરની પસંદગી કરવામાં આવે છે. દરિયાકિનારે અથવા વૉટરફૉલ પર શોર્ટ્સ-ટીશર્ટ પર અને હેરિટેજ સાઈટ હોય તો ઈન્ડો વેસ્ટર્ન અથવા ટ્રેડિશનલ કોસ્ચ્યૂમ પર ભાર મૂકવામાં આવે છે. છોકરીઓ માટે અનારકલી ડ્રેસ ઓલટાઈમ ફેવરિટ રહે છે. આ ઉપરાંત અલગઅલગ ફ્લાવર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

કોઈ પણ પેકેજમાં હવે આખાં લગ્નનો એક હાઈલાઈટર વીડિયો બનાવવામાં આવે છે. ૫થી ૭ મિનિટના આ વીડિયોમાં લગ્નની તમામ યાદગાર મોમેન્ટ્સને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટરી કે શોર્ટ ફિલ્મ ટાઈપ વીડિયો બનાવાય છે. લગ્ન માટે અલગઅલગ પ્રકારની કંકોત્રીનો ટ્રેન્ડ પણ છે. આવી અવનવી પ્રકારની કંકોત્રી પણ ફોટોગ્રાફર્સ બનાવડાવતા થયા છે.

ગિફ્ટ ફોટોશૂટનો ટ્રેન્ડ પણ ઈનથીંગ
 પ્રિ-વેડિંગ ફોટોશૂટના ટ્રેન્ડ સાથે હાલનો લેટેસ્ટ ટ્રેન્ડ એટલે ગિફ્ટ ફોટોગ્રાફી. આ ફોટોશૂટ માત્ર લગ્ન પૂરતું મર્યાદિત ન રહેતાં બર્થ ડે, લગ્નની વર્ષગાંઠ ઉપરાંત સ્પેશિયલ દિવસ માટે ભેટ આપવા માટે સૌથી વધુ આવકાર પામી રહ્યું છે. જીવનભરની યાદોને સંગ્રહી રાખવા માટે આ પ્રકારની ફોટોગ્રાફી મોટાં શહેરોમાં કપલ્સ કરાવતાં થયાં છે. આ ફોટોશૂટનું આયોજન યુવક કે યુવતીના ફ્રેન્ડ્સ, સગાં-સ્નેહી દ્વારા કરવામાં આવે છે. એક કપલ તેના મિત્રો-સ્નેહીનું આ પ્રકારનું ફોટોશૂટ કરાવી આલબમ બનાવડાવી સ્પેશિયલ દિવસે ગિફ્ટમાં આપી શકે છે.

અમદાવાદના શાહીબાગમાં રહેતાં ક્રિષ્નકુમાર ધૂત અને અમિત કાબરા  મિત્રો છે અને બંનેનાં લગ્ન ૧૯૯૧ની સાલમાં અનુક્રમે ૨૧ અને ૨૬ જાન્યુઆરીના રોજ થયાં હતાં. બંને મિત્રોનાં લગ્ન વચ્ચે માત્ર પાંચ દિવસનો ગેપ એટલા માટે રાખવામાં આવેલો જેથી બંને એકબીજાનાં લગ્ન માણી શકે. ચાલુ વર્ષની ૨૧ અને ૨૬ જાન્યુઆરીના રોજ બંને મિત્રોના મેરેજને ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. જેને યાદગાર બનાવવા માટે બંનેએ એકબીજાનું ગિફ્ટ ફોટોશૂટ કરાવ્યું. અમદાવાદના એસજી હાઈવેસ્થિત એક રિસોર્ટમાં ક્રિષ્નકુમાર અને અમિત બંને મિત્રોએ પત્ની સાથે હાજર રહીને વિવિધ એન્ગલથી ફોટોશૂટ કરાવ્યું અને તેનું સુંદર આલબમ એકબીજાને ગિફ્ટ આપ્યું.

આ આખી પ્રક્રિયામાં સરપ્રાઈઝ એલિમેન્ટ એ છે કે અમિત અને તેની પત્ની અનુજાના કયા ફોટો આલબમમાં સમાવવા તે ક્રિષ્નકુમાર અને તેની પત્ની હેમલતાએ નક્કી કર્યું હતું. સામે એ જ રીત અમિત અને તેની પત્નીએ અપનાવી હતી. ફોટોશૂટથી માંડીને આલબમ તૈયાર થવા સુધીની આખી પ્રક્રિયા દરમિયાન જેમના ફોટા છે તેમને એ બતાવવામાં આવ્યા નહોતા. આખી પ્રક્રિયા બંને કપલ્સે સામસામે જ પૂરી કરી હતી. પરિણામે ફોટો આલબમ તૈયાર થઈને એકબીજાના હાથમાં આવ્યાં ત્યાં સુધી ઉત્સુકતા અને આશ્ચર્ય જળવાઈ રહ્યાં.

ગિફ્ટ ફોટોશૂટના આ વિચાર વિશે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા અમિત કાબરાનાં પત્ની અનુજા કાબરા જણાવે છે કે, “મારા હસબન્ડ અને ક્રિષ્નકુમાર પાક્કા મિત્રો છે. ચાલુ વર્ષે બંને મિત્રોનાં લગ્નને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોવાથી મેં કંઈક સ્પેશિયલ કરવાનો વિચાર કર્યો. એમાંથી મને ગિફ્ટ ફોટોશૂટનો વિચાર આવ્યો. જે મેં મારા પતિને જણાવ્યો અને તેમણે વધાવી લીધો. આ ફોટોશૂટથી અમને લાઈફટાઈમ મેમરીઝ મળી છે. ”

આ બંને કપલની ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફર દુષ્યંત રાવલ કહે છે, “ગિફ્ટ ફોટોગ્રાફીનો મારો આ પ્રથમ અનુભવ હતો.આ માટે બંને કપલ્સને વિવિધ સ્થળે લઈ જઈને ફોટોશૂટ કર્યું છે. કંઈક યુનિક ગિફ્ટ આપવા માગતા મિત્રો, સ્નેહીઓમાં આ આઈડિયા ઈન ટ્રેન્ડ છે. લગ્ન દરમિયાન વિધિ અને અન્ય રિવાજો વચ્ચે કપલના જોઈએ તેવા ફોટા મળતા નથી. વળી સગાંસંબંધી વચ્ચે કપલ રોમેન્ટિક પોઝ આપવામાં સંકોચ અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં મિત્રોની મજાક-મસ્તી સાથે કરવામાં આવતી ગિફ્ટ ફોટોગ્રાફી અસરકારક નીવડે છે. વળી આમાં કપલ્સને નજીકથી ઓળખતા લોકો તેમને સરપ્રાઈઝ આપવા માટે રસથી કામ કરતાં હોય છે. આથી વિવિધ લોકેશન પર કપલની લાક્ષણિક અદાઓ કેમેરામાં કેદ કરી શકાય છે.”

ગિફ્ટ ફોટોગ્રાફીમાં હેશટૅગ
દુષ્યંત રાવલ કહે છે, “ગિફ્ટ  ફોટોગ્રાફીની સાથે હેશટેગનો આઈડિયા પણ જોડાયો છે. જેમાં કપલના ફોટા નીચે બંનેનાં નામના પ્રથમ બે અક્ષરો સાથેનું અથવા તેમનું મનપસંદ નામ આપીને હેશટેગ અપાય છે. મિત્રો સોશિયલ મીડિયામાં આ હેશટેગથી તેમના ફોટા શેર કરે છે. ગિફ્ટ ફોટોગ્રાફી આગામી દિવસોમાં વધુ લોકપ્રિય બનશે તે નક્કી છે.

માહિતી: પ્રતીક કાશીકર-સુરત,
ચિંતન રાવલ, નરેશ મકવાણા-અમદાવાદ

You might also like
728_90