100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી કર્યું. તેથી તેણે રસ્તા પરથી બચાવેલાં ૧૦૦ પશુઓની સાથે તે રહી શકે.

પુસ્કરેવા બાળપણથી જ રસ્તે રખડતાં, ત્યજાયેલાં અને વિકલાંગ કૂતરાંઓ તેમજ અન્ય જાનવરો માટે એક શેલ્ટરહોમ ખોલવાની ઇચ્છા રાખતી હતી. તે મોટી થઇને એક સફળ ફોટોગ્રાફર બની ગઇ તેમ છતાં તેના મનમાં બધું છોડીને કંઇક અલગ કરવાની ભાવના રહેતી હતી. તેણે સૌથી પહેલાં એક આંખવાળા પપ્પીને બચાવ્યું. ત્યાર બાદ આ સિલસિલો ચાલી નીકળ્યો.

એક દિવસ તેણે મોસ્કોથી ૧૦૦ કિ.મી. દૂર જંગલની વચ્ચે એક ઘર ખરીદ્યું અને આ બચાવેલાં પશુઓને લઇને ત્યાં શિફટ થઇ ગઇ. તેનાં દ્વારા બચાવાયેલાં પશુઓમાં કૂતરાં ઉપરાંત ફર ઉદ્યોગમાંથી બચાવાયેલાં રકુન અને શિયાળ સામેલ છે. દરિયાના પતિ પણ આ લોકોની દેખભાળ કરે છે. તેને ઘણી જગ્યાઓએથી રસ્તે રખડતાં પશુઓને લઇ જવા માટે લોકો ફોન કરે છે. આ બંને પશુઓનાં ખાવાની સાથે તેના ઇલાજ તેમજ સફાઇનું પણ ધ્યાન રાખે છે.

તમામ પશુઓને રાત્રે રહેવા માટે વાડ બનાવાઇ છે. જોકે સવારે પશુઓને ખુલ્લાં રાખે છે. તે વીજળી માટે સોલાર પેનલ અને જનરેટરનો ઉપયોગ કરે છે. પુસ્કરેવા કહે છે કે તેમણે વિકલાંગ કૂતરાં માટે ઘણા ઉપકરણ પણ બનાવ્યાં છે. તે લોકોને જણાવવા ઇચ્છે છે કે જો પશુઓની કેર કરવામાં આવે તો તેઓ લાંબું જીવી શકે છે.

You might also like