ફોન હોય કે ઇ-મેઇલ, અાંગળીના દરેક ઇશારા પર સરકારની સખત નજર

નવી દિલ્હી: તમારી અાંગળીના દરેક ઇશારા પર નજર રાખવામાં અાવી રહી છે. તમે કોલ કરો કે ઇ-મેઇલ ખોલો તેની જાણ સરકારને થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અાદેશ પર સંચાર મંત્રાલયે પ્રત્યેક ટેલિફોન સર્કલમાં ટેલિકોમ ઇન્ફોર્સમેન્ટ એન્ડ રિસર્ચ મોનિટરીંગ (ટર્મ) સેલનો કંટ્રોલરૂમ સ્થાપિત કર્યો છે, જ્યાં ૨૪ કલાક દરેક કોલ અને ઇન્ટરનેટ સિસ્ટમ પર નજર રાખવામાં અાવશે.

વધતી જતી અાતંકવાદી ઘટનાઅો પર અંકુશ લગાવવામાં અા વ્યવસ્થા કારગત નિવડશે. અાધુનિક સંચાર માધ્યમોના કારણે સુવિધા મળવાની સાથે જ ગુપ્તતાનો પણ ભંગ થઈ રહ્યો છે. અાંખના ઇશારે ગુપ્ત દસ્તાવેજો કે માહિતી ખોટા હાથ સુધી પહોંચી જાય છે. ભલે સંચાર મંત્રાલય અને ગુપ્તચર તંત્ર દ્વારા પહેલાં જ મોબાઈલ અને લેન્ડ લાઈનના કોલ પર દેખરેખની વ્યવસ્થા કરાઈ હોય. પરંતુ ઇન્ટરનેટ, ઇ-મેઇલ, ફેસબુક અને વોટ્સઅેપથી મોકલાતી માહિતી પકડાતી નથી.
કાળું નાણું હોય કે દેશની ગુપ્ત સૂચનાઅો હંમેશાં ફેક આઈડીથી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં અાવે છે.

સંબંધિત સંગઠનના સભ્ય ઇ-મેઇલ ખોલે છે અને સંદેશ લખીને મોકલવાના બદલે મેઇલને બંધ કરી દે છે, જેને તરત જ સંબંધિત જગ્યા પર બેઠેલી વ્યક્તિ પોતાના પાસવર્ડ દ્વારા ખોલીને સંદેશ વાંચી લે છે. હવે અામ નહીં થઈ શકે. સેટેલાઈટ સિસ્ટમ, ફોન અને કરવામાં અાવતા મેઇલની દેખરેખ માટે સંચાર મંત્રાલયે ગાઝિયાબાદમાં સિસ્ટમ સ્થાપિત કરી દીધી છે, જે અા માધ્યમોમાં તમારી અાંગળીના દરેક ઇશારા પર નજર રાખશે. અા માટે ટેલિકોમ ઇન્ફોર્સમેન્ટ એન્ડ રિસોર્સ મો‌િનટરીંગ સેલ પ્રત્યેક સર્કલમાં સ્થાપિત કરાયું છે. કોલ કે ઇન્ટરનેટ દ્વારા સંચાલિત થતી સિસ્ટમનો પ્રયોગ જેવો શરૂ થશે તરત જ ટર્મ સેલ કન્ટ્રોલમાં દેખરેખ શરૂ થઈ જશે.

ટેલિકોમ વિભાગના મુખ્ય અધિકારીઅે જણાવ્યું કે પ્રત્યેક સર્કલમાં ટર્મ સેલ કન્ટ્રોલરૂમમાં કામ શરૂ થઈ ચૂક્યું છે. કોલ અને ઇન્ટરનેટના માધ્યમથી સંચાલિત થતી સિસ્ટમ પર નજર રાખવામાં અાવી રહી છે. કન્ટ્રોલરૂમ સંચાર કંપનીઅોમાં ફોલ્ટ હોય તો તેના પર કાર્યવાહી પણ કરી શકે છે અને અન્ય સૂચનાઅો ગૃહ મંત્રાલયને મોકલે છે.

You might also like