ફોન પર ATM કાર્ડનો પિન, અોટીપી પણ અાપી દીધો ને ખાતામાંથી પૈસા ઉપડી ગયા

અમદાવાદ: આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી બોલું છું તમારું એટીએમ કમ ડેબિટ કાર્ડ બંધ થઇ ગયું છે તેને ચાલુ કરાવવા એટીએમ કાર્ડનો ઓટીપી નંબર અને પિન માગી ડાયરેકટરની પત્ની સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગઠિયાએ મહિલાનાં ખાતામાંથી રૂ.૩૭,૯પ૯ ઉપાડી લીધા હતા. પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે.

કોબા ગામમાં આવેલા મનોરમ્ય સ્ટ્રીટમાં સુશીલાસિંહ તેજપાલસિંહ તેમના પરિવાર સાથે રહે છે. સુશીલાબહેનના પતિ બાયસેગ (ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટ્યૂટ અોફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીયો-ઇન્ફોર્મેટિક્સ) સંસ્થામાં ડાયરેકટર છે. ઇન્ફોસિટી ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કમાં સુશીલાબહેનનું ખાતું છે.

બુધવારે સવારે સુશીલાબહેનના મોબાઇલ ફોન પર ફોન આવ્યો હતો કે આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી બોલું છું તમારું એટીએમ કમ ડેબિટ કાર્ડ બંધ થઇ ગયું છે જેથી તેને ચાલુ કરવા પાસવર્ડ અને ઓટીપી નંબર આપો. સુશીલાબહેને ફોન કરનાર વ્યક્તિના વિશ્વાસમાં આવી જઇ નંબર અને ઓટીપી આપી દીધા હતા.

થોડા સમયમાં જ તેઓના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા. બેન્ક દ્વારા તેઓને મેસેજ મળતાં તેમના ખાતામાંથી રૂપિયા ઉપડ્યા હોવાની જાણ થઇ હતી. ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેકશન દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપડતાં સુશીલાસિંહે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
http://sambhaavnews.com/

You might also like