ફિલિપિન્સના રાષ્ટ્રપતિએ જાહેરમાં એક મહિલાને ‘લિપ કિસ’ કરતાં વિવાદ છેડાયો

ફિલિપિન્સ: દક્ષિણ કોરિયાના એક સત્તાવાર પ્રવાસ દરમિયાન ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દૂતેર્તેએ એક મહિલાને માનવમેદની વચ્ચે જાહેરમાં ‘લિપ કિસ’ કરતાં વિવાદ છેડાયો છે. તેમની આ હરકતથી લોકોમાં નારાજગી પ્રવર્તે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને મજાકનો વિષય બનાવ્યો છે, જ્યારે નારીવાદી સમુદાયે આ ચેષ્ટાને અનૈતિક ગણાવી છે.

રોડ્રિગો દૂતેર્તેના ટીકાકારોનું માનવું છે કે તેઓ મહિલાઓ પ્રત્યે રાગદ્વેષની ભાવના ધરાવે છે અને હંમેશાં મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરતા આવ્યા છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં જ્યારે તેઓ લોકોને મળી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને ફોટો વાઈરલ થાય છે. સ્ટેજ પર રોડ્રિગો દૂતેર્તેએ એક મહિલાએ તેમને પુસ્તક આપવા બદલ સ્વયંને કિસ કરવા કહ્યું હતું. રોડ્રિગો દૂતેર્તેને જોઈને વ્યક્તિગત રીતે આ મહિલા ખૂબ જ ઉત્સાહિત હતી અને તે તેમને કિસ કરવા તૈયાર થઈ ગઈ હતી. આ મહિલા પ‌િરણીત હોવાનો તેણે એકરાર કર્યો હતો.

રોડ્રિગો દૂતેર્તેએ પોતાની સામે ઉપસ્થિત ૩૦૦૦ લોકોની માનવમેદનીને જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાને ગંભીરતાથી ન લે. તેમણે માત્ર ફન ખાતર મહિલાને કિસ કરી છે. ફિલિપિન્સની સરકારી સમાચાર સંસ્થાએ આ મહિલાનો એક ઈન્ટરવ્યૂ પણ લીધો હતો. મહિલાનું નામ બી કીમ હોવાનું જણાવાય છે. આ મહિલાએ જણાવ્યું હતું કે ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દૂતેર્તેને મેં કિસ કરીને કોઈ ખરાબ કામ કર્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દૂતેર્તેએ બળાત્કાર જેવાં ઘૃણાસ્પદ કૃત્યો અંગે ઘણાં વાંધાજનક નિવેદનો કરી ચૂક્યા છે. આ અગાઉ તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનની પુત્રી ચેલ્સિયા ક્લિન્ટન અંગે પણ વાંધાજનક નિવેદન પણ કર્યાં હતાં, જોકે આ બધું છતાં ફિલિપિન્સમાં તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

You might also like