ઢાકામાં તારિષી માટે તેના ફ્રેન્ડ ફરાઝે પણ પોતાની કુરબાની આપી

ઢાકાઃ ઢાકાના ડિપ્લોમેટિક ઝોનની એક રેસ્ટોરાંમાં શુક્રવારે રાત્રે થયેલા ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસના હુમલામાં એક ભારતીય યુવતી તારિષી જૈનનું પણ મોત થયું હતું. તારિષી આતંકી હુમલા દરમિયાન રેસ્ટોરાંમાં પોતાના બે મિત્રો અંબિતા કબીર અને ફરાઝ હુસેન સાથે હતી. ત્રાસવાદીઓએ ફરાઝ બાંગ્લાદેશી હોવાથી તેને જતા રહેવા કહ્યું હતું, પરંતુ મિત્ર ફરાઝે તારિષીનો સાથ છોડ્યો નહીં અને પોતાની ફ્રેન્ડ તારિષી માટે જાન કુરબાન કરી દીધો.

એક સૂત્રને ટાંકીને એવું જણાવાયું છે કે હુમલામાં મૃત્યુ પામેલી ભારતીય વિદ્યાર્થીની તારિષીના મિત્ર ફરાઝે કદાચ એટલા માટે પોતાની જાન કુરબાન કરી દીધો કારણ કે તે તારિષીને છોડીને જવા માગતો ન હતો.

આઈએસઆઈએસના આતંકીઓએ ફરાઝને રેસ્ટોરાં છોડીને ચાલ્યા જવાનો વિકલ્પ આપ્યો હતો. તારિષી અને અંબિતાએ પાશ્ચાત્ય ઢબનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને તેથી તેમણે ફરાઝને પૂછયું હતુંુ કે તે બંને ક્યા દેશનાં છે ત્યારે ફરાઝે જણાવ્યું હતું કે તારિષી ભારતની અને અંબિતા અમેરિકાની છે. અંબિતા અમેરિકામાં ભણતી હોવા છતાં તે આમ બાંગ્લાદેશી નાગરિક હતી.

આ બંને યુવતીઓને છોડવામાં આવી ન હતી, પરંતુ તેમના જ ફ્રેન્ડ ફરાઝને ત્રાસવાદીઓએ ત્યાંથી જતા રહેવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તારિષી ખાતર તે ત્યાંથી ગયો ન હતો અને તેની સાથે તેણે પણ પોતાનો જાન કુરબાન કરી દીધો હતો.

ફરાઝ ટ્રાન્સકોમ્પ ગ્રૂપના ચેરમેન લતીપુર રહેમાન અને શહેનાઝ રહેમાનનો પૌત્ર હતો. તે એસકાયેફ બાંગ્લાદેશ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સિમિન હુસેનનો નાનો પુત્ર હતો. તે એટલાન્ટા જ્યોર્જિયાની એમોરી યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતો હતો. ફરાઝ તારિષી અને અંબિતા ભૂતકાળમાં ઢાકાની અમેરિકન ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતા હતા.અમેરિકન ઈન્ટરનેશનલ સ્કૂલ ઢાકામાં આ ત્રણેય નેશનલ ઓનર સોસાયટીના સભ્યો પણ હતા.

ઢાકામાં જ્યારે રેસ્ટોરાંમાં આતંકી હુમલો થયો ત્યારે આતંકીઓ ત્યાં ઉપસ્થિત લોકોને ઓળખ પૂછી પૂછીને તેમને મારી રહ્યા હતા. આતંકી હુમલા વખતે તારિષી પોતાના આ બંને મિત્રો ફરાઝ અને અંબિતા સાથે હતી. ત્રાસવાદીઓએ ફરાઝને બાંગ્લાદેશી હોવાથી જતા રહેવાનું કહ્યું હતું, પરંતુ ફરાઝે છેલ્લી ઘડી સુધી બંનેનો સાથ છોડ્યો ન હતાે અને આતંકવાદીઓએ તારિષી અને અંબિતાની હત્યા કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં ફરાઝ ત્યાંથી હટ્યો ન હતો અને એ બંને સાથે પોતાની પણ જાન કુરબાન કરી દીધો હતો.

You might also like