ફાગણી પૂનમે યાદ આવે જય રણછોડ

ફાગણી પૂનમ આવે તે પહેલાંથી જ રણછોડ ભક્તો ડાકોરનો માર્ગ પકડે છે. ફાગણી પૂનમે ભગવાન રણછોડરાયનાં દર્શન કરી ભક્તનું હૈયું ભાવવિભોર બની જાય છે. તે આનંદથી ગદ્ગદ્ થઇ જાય છે. ફાગણી પૂનમે ડાકોરમાં મસ્તીની હેલી હોય છે. પ્રભુને સોના રૂપાની પિચકારીથી કેસરમિશ્રિત જળ છંટાય છે. આ જળના અમીછાંટણાં પોતાની ઉપર પડે તેવી લગભગ દરેક ભક્તની ઇચ્છા હોય છે. હોળી એટલે આપણી પરંપરાઓનો રંગોત્સવ. હોળી એટલે પ્રેમનો ઉત્સવ. ફાગણ માસમાં આવતી હોળી દ્વારા લગભગ દરેક પ્રજાજન ફાગણનું સ્વાગત કરે છે. ભગવાન દ્વારકાધીશ ડાકોરમાં પધાર્યા ત્યારથી આ ફાગણી પૂનમ સહિત દર પૂનમે શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયનાં દર્શન કરવા અચૂક પધારે છે. કહેવાય છે કે પૂનમને દિવસે જે ભક્તો ભગવાનને હિંચકે હિંચકતા જુએ છે તેનો મોક્ષ થાય છે. ફૂલ હિંચકે ભગવાન ધૂળેટીના દિવસે ઝૂલે છે. આ દિવસનું પણ ડાકોરમાં ઘણું મહત્ત્વ હોય છે.
એમ પણ કહેવાય છે કે નવધા ભક્તિથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે. તેમાંય જો કોઇ ભક્ત રંગ, રાસ અને રણમેદાન એ ત્રિભુવનપતિને ભજવા માટેની નવધા ભક્તિના પ્રકારોમાં ખૂબ આદરણીય છે. જેમાં રંગથી સખા અને દાસ્યભાવે તથા રણ મેદાનમાં આત્મનિવેદન ભક્તિનો મહિમા આલેખાયેલો છે. જેમાં નવ રસના શૃંગાર, હાસ્ય અને રૌદ્ર તથા વીર રસનો પણ સુભગ મેળ ભળી ગયેલો છે.
ભગવાન રણછોડરાયનાં હજારો નામ છે. તેમાંય ડાકોરમાં તે રણછોડરાય તો દ્વારકામાં દ્વારકાધીશ તરીકે ખૂબ ખ્યાત થયા છે. રણછોડરાય સમક્ષ તો વસંત પંચમીથી ધૂળેટી સુધી દરરોજ શણગાર ભોગમાં આરતી પૂર્વે નવરંગ તથા અબીલ ગુલાલ, કેસર ઉડાડીને વસંતોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. ફાગણ સુદ એકાદશીથી ડાકોરમાં રંગોત્સવ શરૂ થાય છે. અગિયારશને દિવસે બાળસ્વરૂપે લાલજીને સૌપ્રથમ મંદિરના પરિસરમાં જ ફેરવીને પ્રદક્ષિણા કરાવાય છે. તે પછી મોટા દરવાજા પાસે આભૂષણ તથા ચાંદીની અંબાડીથી શોભતા હાથી ઉપર તેમને બિરાજમાન કરાય છે. પછી તેમને હાથી ઉપર જ બેસાડી લાલ બાગ ખાતે લઇ જવાય છે. ત્યાં ભજનમંડળઓ ભજન ગાઇને તેમનું સ્વાગત કરી તેમની નજર પણ ઉતારે છે. તે વખતે એટલાં બધાં અબીલ ગુલાલ ઉડાવાય છે કે ભક્તો રણછોડરાયની ભક્તિમાં કેટલા તલ્લીન છે તે જ જાણે પ્રતીત થાય છે. તે પછી ભગવાન (શ્રીજી)ને લક્ષ્મીજીના મંદિરે લઇ ગયા પછી જ નિજ મંદિરે પરત લવાય છે. વસંત પંચમીથી ધૂળેટી સુધી ભક્તોનાં ટોળેટોળાં ડાકોર આવી રણછોડરાયનાં દર્શન કરી ભક્તિમાં રસતરબોળ થઇ પોતાનું આયખું કૃતાર્થ કરી લે છે. ડાકોર જતાં પ્રત્યેક ભક્તોથી રસ્તા જાણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દેખાય છે. એક અંદાજ મુજબ લગભગ ડાકોર ખાતે વસંત પંચમીથી ધૂળેટી સુધીમાં અંદાજે ‘૨૦ લાખ’ જેટલા ભક્તો રણછોડરાયને મળવા તથા તેમનાં દર્શનથી પાવન થવા આવે છે. હોળીના દિવસે શણગાર ભોગમાં નિત્યક્રમ અનુસાર સોના ચાંદીની પિચકારીથી કેસરયુક્ત જળથી શ્રીજીને સ્પર્શ કરાવી આ કેસરી જળ ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ત્યાર બાદ નવરંગનો પણ શ્રીજીને સ્પર્શ કરાવી ભક્તો ઉપર તે છાંટવામાં આવે છે. તે પછી શ્રીજીને ધાણી, ચણા, ખજૂર, લાડુનો પ્રસાદ ધરાવાય છે. •

You might also like