અમદાવાદ: કચ્છના ભૂજ શહેરથી ૩૭ કિલોમીટર દૂર અાવેલા મોખાણા ગામે ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે જોરદાર અથડામણમાં પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બેકાબૂ પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસને ચાર રાઉન્ડ ફાયરિંગ અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અા ઘટનામાં પોલીસકર્મીઓ સહિત દસ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં તમામને ભૂજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.
અા અંગેની વિગત એવી છે કે ભુજ તાલુકાના મોખાણા ગામે ગઈ કાલે સાંજે વીજ ચોરીનું ચેકિંગ કરવા માટે પીજીવીસીએલની ટીમો પહોંચી હતી. વીજ કર્મીઓ હજુ ચેકિંગ શરૂ કરે તે પહેલાં જ ગામલોકો એકત્ર થઈ ગયા હતા અને જોતજોતામાં જ ટોળાંઓએ વીજ કર્મીઓ પર જોરદાર પથ્થરમારો કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉગ્ર બનેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે પ્રથમ લાઠીચાર્જ શરૂ કર્યો હતો પરંતુ પરિસ્થિતિ બેકાબૂ જણાતા પોલીસને ચાર રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. અા ઘટનામાં ડેપ્યુટી એન્જિનિયર અને પોલીસ અધિકારીઓ સહિત દસ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ શરૂ કરી છે.