ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમોને બાનમાં લઈ પથ્થરમારો થતાં ભારે નાસભાગ

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદમાં વીજ ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમોને ટોળાંએ બાનમાં લઈ જોરદાર પથ્થરમારો કરતાં ભારે તંગદીલી છવાઈ હતી. એક તબક્કે તો જૈનાબાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હતી. ઉશ્કેરાયેલાં ટોળાંઓએ સરકારી ગાડીઓ પર પથ્થરમારો કરી ભારે તોડફોડ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાની પીજીવીસીએલની વડી કચેરીને માહિતી મળી હતી. અા માહિતીના અાધારે ધાંગ્રધા પીજીવીસીએલની ૧૯ જેટલી ટીમો જૈનાબાદ જવા રવાના થઈ હતી. પીજીવીસીએલની ટીમો હજુ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી શરૂ કરે તે પહેલાં જ લોકોનાં ટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં.

જોતજોતામાં જ ટોળાંઓએ ચેકિંગ માટે અાવેલી ટીમોને ઘેરી લઈ બાનમાં લીધી હતી અને ટોળાઓએ ભારે હોહા અને દેકારો મચાવી પીજીવીસીએલની અાઠથી દસ ગાડીઓ પર હુમલાઓ અને પથ્થરમારો કરી ગાડીઓના કાચના ભુક્કા બોલાવી નાખ્યા હતા. અા ઘટનાને કારણે ભારે નાસભાગ મચી જતાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર જણાતાં સ્થાનિક પોલીસને વધારાની પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ કાફલાએ તાત્કા‌િલક અાવી પહોંચી ભારે જહેમત બાદ ટોળાને વિખેરી નાખ્યા હતા અને પીજીવીસીએલના કર્મચારીઓને રક્ષણ અાપ્યું હતું. જૈનાબાદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં અાવ્યો હતો. અા બનાવમાં અનેક વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થયા હોવાનું જાણવા મળે છે.

You might also like