કેરળમાં લવ જેહાદનો પર્દાફાશઃ ધર્માંતરણનું કામ મોટાપાયે થઈ રહ્યું છે, ભારતને ‘ઈસ્લામિક સ્ટેટ’ બનાવાવાનો ઈરાદો

જાહેરમાં પોતાને એકતા અને સમાનતાના હિમાયતી તરીકે દાવો કરનાર કેરળનો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) એક સ્ટિંગ ઓપરેશનમાં બેનકાબ થઇ ગયો છે. ઇન્ડિયા ટુડેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાની તપાસમાં સ્વયંને ધર્મનિરપેક્ષ બતાવનાર આ સંગઠનનો અસલી ચહેરો ઉઘાડો કરી દીધો છે. આ સ્ટિંગ ઓપરેશન દ્વારા કેરળની ધર્માંતરણ ફેક્ટરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.

ઇન્ડિયા ટુડેના અન્ડર કવર રિપોર્ટરોએ એક છૂપા કેમેરા પર પીએફઆઇના ટોચના હોદ્દેદારોના મોંમાંથી એવા ખુલાસા કેમેરામાં કેદ કર્યા છે, જે આઘાતજનક છે. તે પછી ધર્માંતરણનો મામલો હોય કે ગેરકાયદે ફંડિગનો મામલો હોય અથવા તો ભારતને ધર્મપ્રધાન ઇસ્લામિક દેશ બનાવવાનો ટાર્ગેટ હોય-આ તમામ મુદ્દે પીએફઆઇના નેતાઓ છૂપા કેમેરા પર બધું કબૂલ કરતા દેખાય અને સંભળાય છે.

પીએફઆઇ આમ પણ પહેલાંથી જ એનઆઇએની તપાસના રડારમાં છે. પીએફઆઇ પર હિંદુ મહિલાઓનું બ્રેઇન વોશ કરીને મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરાવવાનો પણ આરોપ છે, જોકે પીએફઆઇની મહિલા ટીમની પ્રમુખ જૈનબાએ આ તમામ આરોપોને બેબુનિયાદ ગણાવ્યા હતા. હદિયાના કેસમાં જૈનબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લવ જેહાદ નહીં, પરંતુ એરેન્જડ મેરેજનો મામલો છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સભ્ય જૈનબાને એવું કહેતી છૂપા કેમેરામાં કેદ કરવામાં આવી છે કે કઇ રીતે પીએફઆઇ અને તેનું સાથી સંગઠન સત્યા સરની કેરળના મંજેરીમાં મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં વ્યસ્ત છે. જૈનબાએ જણાવ્યું હતું કે તે અમારી સંસ્થા છે અને છેલ્લાં દસ વર્ષમાં અત્યાર સુધીમાં અમે પ,૦૦૦ લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો છે.

જૈનબાએ એમ પણ જણાવ્યું હતું કે પીએફઆઇ ધર્માંતરણ કરાવ્યા બાદ નામ બદલવાનાં પ્રમાણપત્રો બહારથી બનાવડાવે છે. આ માટે બે રસ્તા છે. એક તો કોઇ સંસ્થા પાસેથી એવું પ્રમાણપત્ર લેવામાં આવે છે કે અમુક વ્યકિતએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને બીજી એક વ્યવસ્થા એવી છે કે એફિડેવિટ દ્વારા ધર્માંતરણ નોટરી મારફતે પ્રમાણિત કરાવવામાં આવે છે. જૈનબાએ એવી પણ કબૂલાત કરી હતી કે પીએફઆઇ અને સત્યા સરની ભારતમાં ઇસ્લામિક સ્ટેટની સ્થાપનાના છૂપા ઇરાદા સાથે કામ કરી રહ્યા છે.

You might also like