પીઅેફના વ્યાજદરમાં ઘટાડો કરવા સરકારની હિલચાલ

નવી દિલ્હી: આગામી દિવસોમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીઅેફઓ) માં વર્ષ ૨૦૧૫-૧૬ માટે પીઅેફ પરનો વ્યાજદર ૮.૭૫ ટકામાથી ઘટીને ૮.૭૦ ટકા થઈ શકે છે. નાણાં મંત્રાલય તરફથી આ અંગે શ્રમ મંત્રાલયને સુચના આપવામાં આવી છે.

નાની બચત સ્કીમોના વ્યાજદરોમાં કાપ મુકયા બાદ સરકાર હવે પીઅેફ પર મળતા વ્યાજદરમાં કાપ મુકવા તૈયારી કરી રહી છે. આ અંગે શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં ૫૦ વર્ષમાં પહેલીવાર એવુ બનશે કે જેમાં કર્મચારીઓના પીઅેફ પર મળતા વ્યાજમાં ઘટાડો થશે. અને તે પણ અેવા મંત્રાલયની દખલગીરીથી કે જેને આ ટ્રસ્ટના પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. શ્રમ મંત્રાલય તરફથી પીઅેફ પર ૮.૮૦ ટકા વ્યાજ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે નાણાં મંત્રાલયે તેનો સ્વીકાર કર્યો ન હતો.

કર્મચારીઓને લાભ નહિ મળે
નાણાં મંત્રાલયે વર્ષ ૨૦૧૫-૧૬ માટે પીઅેફ પરના વ્યાજદર ૮.૭૫ ટકાને ઘટાડી ૮.૭૦ ટકા કરવા જણાવ્યુ છે. જેની સુચના શ્રમ મંત્રાલયને આપવામાં આવી છે. જો તેનો અમલ થશે તો ગત સાલ પીઅેફ પર મળતા વ્યાજદર ૮.૭૫ ટકાની સરખામણીઅે ૦.૦૫ ટકા ઘટાડો થશે.

શ્રમ મંત્રાલયના આ નિર્ણયથી કર્મચારીઓને ૨૦૧૫-૧૬ માટે જે લાભ મળવાનો હતો તે હવે નહિ મળી શકે. વ્યાજદરમાં ઘટાડો થતા આ વર્ષે ઈપીઅેફઓના ખાતામાં ૧૦૬૨ કરોડની બચત થશે. આ રકમ તેવા કર્મચારીઓની છે, જે તેમના પગારમાંથી દર મહિને પીઅેફની રકમ કપાય છે. અને તેના પર ઈપીએફઓ જે પૈસા કમાય છે અને નફો કર્મચારીઓને વહેંચે છે.

આ પહેલા શ્રમ પ્રધાન બાંડારૂ દતાત્રેયે ૧૬ ફ્રેબ્રુઆરીઅે ચેન્નઈમાં ઈપીએફના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની બેઠક બાદ જણાવ્યુ હતુ કે અમે કર્મચારીઓની ભલાઈ માટે કટિબદ્ધ છીઅે. તેથી અમે કર્મચારીઓને ૮.૮૦ ટકા વ્યાજ આપવા નિર્ણય કર્યો હતો. જોકે આ ભલામણનો સ્વીકાર થયો ન હતો.

You might also like