પીએફ કોન્ટ્રિબ્યૂશન ૪ ટકા ઘટશે, ટેક હોમ સેલરી વધી જશે

નવી દિલ્હી: હવે તમારું મંથલી પીએફ કોન્ટ્રિબ્યૂશન ૪ ટકા ઘટી શકે છે. મોદી સરકારના આ પ્રસ્તાવ પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની બેઠકમાં નિર્ણય લેવામાં આવનાર છે. જો સીબીટી આ પ્રસ્તાવને મંજૂરી આપશે તો સંગઠિત સેક્ટરમાં કામ કરતા લગભગ ૪ કરોડ કર્મચારીઓના પીએફ ફંડ પર અસર પડશે અને તેમને નિવૃત્તિ વખતે પીએફ પેટે ઓછાં નાણાં મળશે, જોકે દર મહિને તેમની ટેક હોમ સેલરી વધી જશે.

કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ આજે ૨૭ મેના રોજ યોજાઈ રહેલી સીબીટીની બેઠકના એજન્ડામાં માલિકનું વર્તમાન ૧૨ ટકા કોન્ટ્રિબ્યૂશન ઘટાડીને ૧૦ ટકા કરવાનો પ્રસ્તાવ સામેલ કર્યો છે. સીબીટીની બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે. સીબીટી સભ્ય અને ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહામંત્રી બી. એલ. સચદેવાએ જણાવ્યું છે કે એમ્પ્લોયર્સના પ્રતિનિધિઓના કહેવા પર ઈપીએફઓએ આ પ્રસ્તાવ સીબીટીના એજન્ડામાં રાખ્યો છે.

જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપશે તો તેનાથી બે ટકા એમ્પ્લોયર કોન્ટ્રિબ્યૂશનની સાથે-સાથે કામદારોનું બે ટકા કોન્ટ્રિબ્યૂશન પણ ઘટી જશે એટલે કે તેના પીએફ ફંડમાં ૧૨-૧૨ ટકાના બદલે ૧૦-૧૦ ટકા કોન્ટ્રિબ્યૂશન જશે. હાલ જો કોઈનો બેઝિક પગાર અને ડીએ મળીને રૂ. ૧૦,૦૦૦ હોય તો તેમાંથી ૧૨૦૦ રૂપિયા એમ્પ્લોયર કોન્ટ્રિબ્યૂશન તરીકે અને ૧૨૦૦ રૂપિયા કામદાર કો‌િન્ટ્રબ્યૂશન તરીકે પીએફમાં કાપવામાં આવે છે.
http://sambhaavnews.com/

You might also like