અમદાવાદમાં પેટ્રોલમાં થાય છે અડધો અડધ પાણી મિક્સ : બાઇક ચાલકે કર્યો પર્દાફાશ

અમદાવાદ : રવિવારે અમદાવાદનાં સરસપુર વિસ્તારમાં પેટ્રોલ પંપ માલિક દ્વારા પાણી મિક્સ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે લોકોએ એકત્ર થઇને હોબાળો મચાવ્યો હતો. જોત જોતામાં લોકોનું ટોળુ ભેગુ થઇ જતા માલિકે પોલીસ બોલાવી હતી. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સરસપુર વિસ્તારમાં એક ખાનગી પેટ્રોલપંપ આવેલો છે. આટલા વિસ્તારમાં એક જ પંપ હોવાથી લોકો ત્યાં પેટ્રોલ ભરાવતા હતા. જો કે ત્યાંથી પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇક વારંવાર ખરાબ થઇ જતી હતી. ગેરેજમાં લઇ જતા ગેરેજવાળા દ્વારા ટાંકીમાં પાણી હોવાનું જણાવાતા બાઇક ચાલક ચોંકી ઉઠ્યો હતો. આવું વારંવાર થતા તેને પેટ્રોલપંપ પર શંકા ગઇ હતી.

બાઇક ચાલકે ટાંકી ખાલી થયા બાદ પેટ્રોલ પુરાવવા ગયો હતો. પેટ્રોલ બાઇકમાં પુરાવ્યા બાદ તેણે એક બોટલમાં કાઢ્યું હતું. જોયું તો પેટ્રોલમાં અડધો અડધ પાણી મિક્સ હતું. જો કે પાણી પણ પેટ્રોલ કલરનું હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નહોતું પરંતુ બોટલમાં બંન્ને અલગ પડી જતા હતા. બાઇક ચાલક દ્વારા હોબાળો કરવામાં આવ્યા બાદ ટોળુ એકત્ર થયું હતું.

પરિસ્થિતી વણસી રહેલી જોઇ પેટ્રોલપંપ માલિકે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને બાઇક ચાલક અને પેટ્રોલ પંપના માલિકને બોલાવીને મામળો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે વાતાવરણ ઉગ્ર ન થઇ જાય તે માટે ટોળાને પણ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

You might also like