પેટ્રોલ પંપ પરથી કાર્ડ પર કેશ માટે હજુ રાહ જોવી પડશે

અમદાવાદ: પેટ્રોલ પંપ પરથી ર૪ નવેમ્બરથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને રૂ.ર,૦૦૦ની કેશ ઉપાડવા માટે બેન્ક દ્વારા જાહેરાત કરાઇ હતી, પરંતુ આ અંગે પૂરતી વ્યવસ્થા ન કરાઇ હોવાથી નાગરિકોએ હજુ પણ બેથી ત્રણ દિવસની રાહ જોવી પડશે, કારણ કે પેટ્રોલ પંપના પીઓએસ મશીનના અપગ્રેડેશનની કામગીરી હજુ પણ થોડી બાકી હોવા ઉપરાંત બેન્ક તરફથી પેટ્રોલ પંપને કેશ મોકલવાની વ્યવસ્થા કરાઇ નથી. દરમિયાનમાં શહેરના બિગ બજારના ચાર અાઉટલેટ દ્વારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર રૂ. બે હજાર સુધીની કેશ અાપવાની શરૂઅાત કરાઈ છે. બીજી બાજુ શહેરના મોટાભાગના એટીએમની હાલત જેસે થે જેવી છે. કેશ માટે જતાં લોકોને નિરાશા હાથ લાગી છે. મોટાભાગના એટીએમ બંધ છે અથવા કેશ નથી.

રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટો ચલણમાંથી રદ થયા બાદ લોકોની નવી નોટો લેવા માટે એટીએમની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે લોકો પેટ્રોલ પંપ પરથી જ રૂ.ર,૦૦૦ સુુધીની કેશ મેળવી શકે તે માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેન્ક આગળ આવ્યાં છે, પરંતુ અમદાવાદ શહેરના રપ૮ પેટ્રોલ પંપ પર હજુ પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) મશીન અપગ્રેડેશનની કામગીરી ચાલુ છે. આ કામગીરી પૂરી થતાં હજુ એકાદ દિવસ લાગશે, એટલું જ નહીં એચડીએફસી અને સ્ટેટ બેન્કની હેડ ઓફિસ દ્વારા જે તે બ્રાન્ચ કે જે પેટ્રોલ પંપની નજીક છે તેને જરૂરી સૂચનાઓ અપાઇ નથી એટલું જ નહીં, પરંતુ પેટ્રોલ પંપ પર એક લાખ રૂપિયાની કેશ પહોંચાડવાની વ્યવસ્થા અંગેનાે સકર્યુલર કેટલીક બ્રાન્ચને મળ્યાે નથી.

આ બધું જોતાં હજુ પેટ્રોલ પંપ પરથી નાગરિકોને કેશ મેળવવા માટે હજુ બેથી ત્રણ દિવસની રાહ જોવી પડશે. આ અંગે ઓલ ઇન્ડિયા પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી ધીમંતભાઇ ઘેલાણીએ જણાવ્યું હતું કે કેશ-પીઓએસ મશીનના અપગ્રેડેશન તેમજ બ્રાન્ચને જરૂરી સૂચનાઓ મળવાની સાથેની તમામ સિસ્ટમ ગોઠવાતાં હજુ બે દિવસનો સમય લાગી શકે છે, જોકે પીઓએસ અપગ્રેડેશનની કામગીરી ૮૦ ટકાથી વધુ સુધીની પૂરી થઇ ચૂકી છે.

અમદાવાદ શહેરના રપ૮ પેટ્રોલ પંપ પર મોટા ભાગે એચડીએફસીના પીઓએસ છે અંદાજે ૧રપથી વધુ અને સ્ટેટ બેન્કના ૧૦થી વધુ. પેટ્રોલ પંપ પરથી કેશ મેળવવા નાગરિકોએ બેથી ત્રણ દિવસ રાહ જોવી પડશે. સ્ટેટ બેન્કના પીઓએસ અંદાજે ૮૦ ટકાથી વધુ રૂરલ વિસ્તારમાં છે, જેમાં હાઇવે સ્થિત પેટ્રોલ પંપનો પણ સમાવેશ થાય છે, જ્યારે રૂરલ વિસ્તારમાં નાગરિકો પાસે મોટા ભાગે ક્રેડિટ, ડેબિટ કાર્ડ નહીં હોવાથી તેઓ પેટ્રોલ પંપ પરથી કેશ લેવાનો લાભ ઝડપથી મેળવી શકશે નહીં. રાજ્યભરમાં ૧૧૦થી વધુ પેટ્રોલ પંપ પર એસબીઆઇના ‌સ્વે‌િપંગ મશીન છે.
visit : www.sambhaavnews.com

You might also like