પેટ્રોલનાં ભાવ પ્રતિલિટર રૂ.૯૦ થઈ જશેઃ નિષ્ણાંતો

ન્યૂ દિલ્હીઃ દેશમાં આસમાને પહોંચી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો આગામી દિવસોમાં ઘટવાની કે સામાન્ય માનવીને રાહત મળવાની કોઇ આશા નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ. ૯૦ થઇ જશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના સતત વધતા જતા ભાવનાં પરિણામો ભારતમાં સામાન્ય લોકોને ભોગવવાં પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારાને લઇને દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૮૫.૨૦ની સપાટીએ પહોંચી ચૂક્યો છે.

એ જ રીતે દિલ્હીમાં પણ ભાવ વધીને પ્રતિલિટર રૂ. ૭૭.૭૮ થઇ ગયો હતો. દિલ્હીમાં તો સોમવારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર ૧૫ પૈસાનો વધારો થયો હતો અને ભાવ પ્રતિ લિટર રૂ. ૬૯.૪૭ની સર્વાધિક સપાટીએ પહોંચી ગયો હતો.

નિષ્ણાતોનું માનવું છે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને ક્રૂડ તેલના વધતા જતા ભાવને જોતા દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ.૯૦ની સપાટીએ ટૂંક સમયમાં પહોંચી જશે. એન્જલ બ્રોકિંગનાં કોમોડિટી એન્ડ રિસર્ચ વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે ક્રૂડની કિંમત પણ પ્રતિ બેરલ ૮૦ ડોલરની સપાટીએ પહોંચી જવાની આશંકા છે.

ક્રૂડના ભાવ વધારાના પગલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. ૪નો વધારો થઇ શકે છે. આ સંજોગોમાં મુંબઇમાં હાલ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૮૫.૨૦ છે તે ઝડપથી પ્રતિ લિટર રૂ. ૯૦ પર પહોંચી જશે.

You might also like