ક્રૂડમાં ફરી તેજીઃભારતમાં પેટ્રોલ ફરી ભડકે બળશે

ક્રૂડ ઓઈલની નિકાસ કરનારા દેશોના મુખ્ય સંગઠન ઓપેકે ૨૦૦૮ બાદ પહેલીવાર ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કરતા આગામી દિવસોમાં ફરી ક્રૂડ ઓઈલમાં તેજી આવી જતા તેના કારણે ભારતમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. હાલ ક્રૂડ ઓઈલનો પ્રતિ બેરલ ભાવ ૫૦ ડોલર આસપાસ છે. પરંતુ આગામી દિવસમાં તેના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલર થવાની શકયતા છે. જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ ફરી ભડકે બળે તેવા અેંધાણ વર્તાઈ રહ્યા છે.
ભારતીય અર્થતંત્ર છેલ્લાં કેટલાક સમયથી પ્રતિ બેરલ ૩૦ થી ૪૦ ડોલરના ભાવે ક્રૂડ ઓઈલ મેળવવાનું આદિ બની ગયું છે. ત્યારે આવા સમયે જો ઈંધણનો ખર્ચ વધીને લગભગ બમણો થઈ જાય તો તે ભારતીયો માટે માઠા સમાચાર ગણાશે. જેના કારણે મુદ્રા નીતિમાં વ્યાજદર ઘટાડવાની બાબત પર પણ અસર પડી શકે તેમ છે. તેની બીજી અસર ભારતીય અર્થવ્યવસ્થાની મૂડીનાં ક્ષેત્ર પર પણ પડી શકે તેમ છે.

અત્યાર સુધી ગ્લોબલ રોકાણકારોની પાસે કેટલાક ગણ્યા ગાંઠ્યા વિકાસશીલ દેશોમાં તેમનું રોકાણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. ક્રૂડ ઓઈલ માેંઘું થતાં તેમના માટે રોકાણનો એક માર્ગ ખુલી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિકસિત દેશોના અમીર લોકો અને રોકાણકાર સંસ્થા તેમની મૂડી ક્રૂડ ઓઈલ, કીમતી ધાતુ અને અમેરિકન બોન્ડમાં લગાવવાનું વધુ પસંદ કરે છે. કારણ ત્યાં તેમના પૈસા વધુ સુરક્ષિત રહે છે. વિકાસશીલ દેશોમાં તેમની મૂડી પર નફો વધુ મળે છે. પરંતુ તેમાં પૈસા ડૂબવાનો ભય વધારે રહે છે. ડિસેમ્બરના મધ્યમાં જો અમેરિકાના ફેડરલ રિઝર્વ બેન્ક તેના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કરે તો ભારતમાથી મૂડી બહાર જવાનો માર્ગ વધુ મોકળો થઈ શકે છે.

આવી સ્થિતિમાં એક અન્ય પાસા પર પણ ધ્યાન રાખવાની જરૂર છે કે અમેરિકામાં શેલ ઓઈલના રૂપે ક્રૂડ ઓઈલની આવક શરૂ થઈ જતા વિશ્વમાં હવે ક્રૂડ ઓઈલના સ્થાયી ઘટાડા જેવી કોઈ બાબત રહી નથી. એટલે કે ઓપેક દ્વારા ઓઈલના ઉત્પાદન પર કાપ મુકાતા ક્રૂડ ઓઈલ મોંઘું થઈને ભલે ૬૦ ડોલરથી વધુ મોંઘુ થઈ જાય. પરંતુ ૨૦૦૭-૦૮ની જેમ તેના ૧૪૦ ડોલર પ્રતિ બેરલ જેવા આસમાની સ્તર સુધી પહોંચી જવાની આશંકા તો જોવા મળતી નથી. તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા માટે નવા ઈંધણના મોરચે થોડા સમય માટે પરેશાની ચોકકસ જોવા મળશે. પરંતુ થોડા સમય બાદ તેમાં પ્રતિ બેરલ ૬૦ ડોલરનો ભાવ આદત જેમ બની જશે. જોકે આ વખતે નોટબંધી બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના અનુમાન કરતા ૫૦ ટકા ઓછા રહેવાની વાત ગ્લોબલ રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં મોંઘા ઈંધણ અને મજબૂત અમેરિકી બોન્ડની અસરમાં થોડો ઘટાડો થઈ શકે છે.

તાજેતરમાં થયેલી સમજૂતી હેઠળ સાઉદી અરબ તેના તેલ ઉત્પાદનમાં દરરોજ પાંચ લાખથી લઈને એક કરોડ બેરલ સુધી જ્યારે કુવૈત, કતાર અને સંયુકત આરબ અમિરાત દરરોજ ત્રણ ત્રણ લાખ બેરલનો કાપ મુકશે. ઉલ્લેખનીય છે કે બિન ઓપેક દેશ રશિયાએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. ઈરાક દ્વારા તેના તેલનાં ઉત્પાદનમાં કાપ મૂકવાની વાતને અપ્રત્યાશી પગલું માનવામાં આવી રહ્યું છે. કારણ કે તે ઈસ્લામિક સ્ટેટની વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવા માટે તેલ ઉત્પાદનના તેના ક્વોટામાં વધારો કરવાની માગણી કરી રહ્યું હતું.

ઓપેકનો સાથ આપતા ઈરાકે નિર્ણય કર્યો છે કે તે તેનાં તેલના ઉત્પાદનમાં દરરોજ બે લાખ બેરલનો કાપ મૂકશે. આમ પણ ઓપેકમાં સામેલ એક માત્ર પૂર્વ અેશિયાઈ દેશ ઈન્ડોનેશિયાએ તેને આ પ્રસ્તાવથી અલગ કરી દીધો છે. અને ઓપેક સાથે તેની સદસ્યતા સ્થગિત કરવાની વાત કરી છે. ત્યારે આની અસર ભારત પર કેવી પડે છે તે જોવાનુ રહ્યું.

home

You might also like