પેટ્રોલની કિંમતમાં વધારો યથાવત્…, પ્રતિ લિટર 16 પૈસાનો વધારો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવી ઊંચાઇએ પહોંચી રહી છે. આજે પણ નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૬ પૈસાનો અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર ૨૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ.૭૮.૬૮ પર પહોંચી ગયો હતો, જ્યારે ડીઝલમાં પ્રતિલિટર ભાવ રૂ.૭૦.૪૨ની સપાટીએ પહોંચી ગયો છે.

નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં હજુ વધુ ઉછાળો આવનાર છે અને તેથી આગામી સમયમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ત્રણ રૂપિયાનો અને ડીઝલમાં પ્રતિલિટર બે રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

આ અઠવાડિયે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ચાર ડોલર સુધી વધી ગયો હતો અને આ રીતે ક્રૂડમાં સો ટકાની તેજી જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયને જોતાં આગામી સમયમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થવાની કોઇ આશા જણાતી નથી. હાલ ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૭૦.૫૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડનો ભાપ પ્રતિબેરલ ૭૭.૬૬ ડોલર છે.

એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં કાપ મુકાતાં અને ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધ મૂકતાં ક્રૂડના ભાવમાં તેજી આવી છે અને હજુ ભવિષ્યમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૮૦ ડોલર અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૭૫ની સપાટી પર પહોંચી શકે છે.

You might also like