ડીઝલમાં ૮૭ પૈસા અને પેટ્રોલમાં ૩૬ પૈસાનો વધારો

નવી દિલ્હી: સરકાર સંચાલિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૩૬ પૈસા અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ૮૭ પૈસાનો વધારો કર્યો હતો. આ વધારા સાથેના નવા ભાવ આજે મધરાતથી અમલમાં આવશે.  આ વધારા સાથે હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. ૬૧.૦૬ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂ. ૪૬.૮૦ રહેશે. આ વધારા અગાઉ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. ૬૦.૭૦ હતો, જ્યારે ડીઝલનો ભાવ લિટર દીઠ રૂ. ૪૫.૯૩ હતો.

કંપનીની યાદીમાં જણાવાયું હતું કે અન્ય રાજ્યોમાં સંબંધિત વેરાઓને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ રહેશે.  યાદીમાં વધુમાં જણાવાયું હતું કે હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. ૬૧.૦૬, કોલકાતામાં રૂ. ૬૬.૩૯, મુંબઇમાં રૂ. ૬૮.૧૩ અને ચેન્નાઇમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ રૂ. ૬૧.૩૮ થયો છે.  જ્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટર દીઠ રૂ. ૪૬.૮૦, કોલકાતામાં રૂ. ૫૦.૨૯, મુંબઇમાં રૂ. ૫૪.૦૪ અને ચેન્નાઇમાં રૂ. ૪૮ રહેશે.

અગાઉના તબક્કામાં ગઇ ૭મી નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઇ ફેરફાર કરાયો નહોતો. પેટ્રોલમાં લિટર દીઠ રૂ. ૧.૬૦ અને ડીઝલમાં લિટર દીઠ ૪૦ પૈસા એકસાઇઝ ડ્યૂટી વધારવાના સરકારના નિર્ણયને લીધે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તે સમય પૂરતું ભાવવધારો કરવાનું મુલતવી રાખ્યું હતું. તે અગાઉ કરાયેલી સમીક્ષામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૫૦ પૈસાનો ઘટાડો કર્યો હતો. જ્યારે ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નહોતો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં હાલનું સ્તર અને રૃપિયો તથા ડોલર વચ્ચેનો હાલનો હૂંડિયામણ દર જોતાં ભાવવધારાની જરૃર જણાય છે જેથી ભાવની સમીક્ષા કરીને તે વધારો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. પેટ્રાલિયમ પેદાશોનું રિટેઇલ વિતરણ કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓએ પાંચ મહિનામાં પહેલી વખત પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં ઓક્ટોબર બાદ આ ત્રીજી વખત વધારો કરાયો છે.

પેટ્રોલના ભાવમાં ગઇ ૧૬મી જુલાઇએ લિટર દીઠ ૩૨ પૈસાનો વધારો કરવામા આવ્યો હતો. ત્યારબાદ ચાર વખત પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલના ભાવમાં ૧લી નવેમ્બરે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ તેની પહેલા ૧૬મી ઓક્ટોબરે ડીઝલના ભાવમાં લિટર દીઠ ૯૫ પૈસા અને ૧લી ઓકટોબરે ૫૦ પૈસાનો લિટર દીઠ વધારો કરવામાં આવ્યો હતો. આ પેદાશોના વૈશ્વિક ભાવો અને સ્થાનિક ભાવો વચ્ચે સંતુલન જાળવવા માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દર મહિનાની ૧લી અને ૧૬મી તારીખે ડીઝલના ભાવોની સમીક્ષા કરે છે.

You might also like