ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં આકરો ભાવ વધારો

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરના વેરામાં વધારો કરાયો છે. આવતીકાલથી આ વધારો અમલમાં આવશે. જેના કારણે ગુજરાતમાં પેટ્રોલ પ્રતિ લિટરે ૧.૯૦ અને ડીઝલ રૃ. ૧.૮૨ મોંઘુ થશે. જોકે ગુજરાતમાં દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યોએ પેટ્રોલના વેરામાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વારંવાર વધારો કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી એટલે કે જુલાઈ-૨૦૧૪થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાવ ઘટાડાના કારણે થતો લાભ પૂર્ણપણે ગ્રાહકોને અપાયો છે. જોકે આ ચિત્રની બીજી બાજુ પણ હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થતા ઘટાડાના કારણે રાજ્ય સરકારની આવક પર ઘણી વિપરીત અસર પડી છે. રાજ્ય સરકારે છેલ્લા નવ વર્ષથી પેટ્રોલ અને ડીઝલ પરના વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી.

જેના કારણે રાજ્યની આવકમાં ઘટાડાથી વિકાસ કાર્યો અને અન્ય પ્રજાકીય કાર્યો ઉપર પણ વિપરીત અસર થઈ શકે છે. આના નિવારણ હેતુ રાજ્ય સરકાર દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના વેરામાં વધારો જાહેર કરાયો છે. પેટ્રોલ ઉપર વેરાનો દર એક ટકા અને સેસનો દર બે ટકા વધારીને હાલના ૨૩ ટકા વત્તા બે ટકાને બદલે ૨૪ ટકા વત્તા ૪ ટકા એટલે કે ૨૮ ટકા કર્યા છે.

જ્યારે ડીઝલ પરનો વેરાનો દર ત્રણ ટકા અને સેસનો દર એક ટકા વધારીને હાલના ૨૧ ટકા વત્તા ત્રણ ટકાને બદલે ૨૪ ટકા વત્તા ચાર ટકાનો કર્યો છે.આ દર વધારાના પગલે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૃ. ૧.૯૦નો વધારો થઈને રૃ. ૬૨.૧૨ થશે.

જોકે પેટ્રોલના આ ભાવ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ કરતા ઓછો છે. તે જ રીતે ડીઝલના ભાવમાં લીટર દીઠ રૃ. ૧.૮૨નો વધારો થઈને રૃ. ૫૦.૧૩ થશે. પેટ્રોલ અને ડીઝલ પડતા વેરાના અને સેસના નવા દર આવતીકાલથી અમલી બનશે.

You might also like