પેટ્રોલ-ડીઝલની કિંમતે તોડ્યા બધા જૂના રેકોર્ડ, સતત સાતમાં દિવસે થયો વધારો

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઉછાળા મામલે મનમોહન સરકારનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. રવિવારે 33 પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.24 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. આ અગાઉ યુપીએ-2ના શાસનમાં 14 સપ્ટેમ્બર 2013ના રોજ પેટ્રોલની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લિટર નોંધાઇ હતી.

રવિવારે રાજધાનીમાં ડીઝલની કિંમતમાં 26 પૈસાના વધારા સાથે 67.57 રૂપિયા પ્રતિ લિટર જોવા મળ્યો હતો. જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટીએ છે. કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં લઇ છેલ્લા 19 દિવસ સુધી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવામાં આવી નહોતી.

જો કે મતદાનના આગલા દિવસથી જ પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની શરૂઆત થઇ ગઇ હતી જે સતત હજી જોવા મળી રહી છે. એવુ બતાવામાં આવી રહ્યું છે કે કર્ણાટક ચૂંટણીના સમયે તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કર્યો નહોતો જેને લઇને કંપનીઓને 500 કરોડથી વધારે નુકસાન થયું હતું.

માર્કેટના નિષ્ણાંતોના અનુસાર કંપનીઓ પોતાના નુકસાનની ભરપાઇ કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 4 થી 8 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. ગત સાત દવિસમાં પેટ્રોલની કિંમતમાં 1.16 રૂપિયા જ્યારે ડિઝલની કિંમતમાં 1.64 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દેશના પાંચ શહેરોમાં રવિવારે પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લીટરથી વધારે પહોંચી છે.

મુંબઇમાં પેટ્રોલની કિંમત 84.07 પ્રતિ લિટર પહોંચી છે જ્યારે ભોપાલમાં 81.83 રૂપિયા જોવા મળી છે. ગોવાની રાજધાની પણજીમાં પેટ્રોલની સૌથી ઓછામાં ઓછી 70.26 રૂપિયા પ્રતિ લિટર કિંમત જોવા મળી. ડીઝલની સૌથી વધારે કિંમત હૈદરાબાદમાં 73.45 રૂપિયા થઇ. કેન્દ્ર સરકાર ગ્રાહકો પર પડતા વધતી પેટ્રોલ-ડીઝલની કિંમતનો બોજો ઘટાડવા એકસાઇઝ ડ્યૂટીમાં હાલ કોઇ ફેરફાર કરવાનીવ વિચારણમાં નથી.

You might also like