પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, મુંબઈમાં ભાવ પ્રતિલિટર રૂ. 86.91

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આજે ગુરુવારે પણ દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિલિટર.૨૦ પૈસાનો અને ડીઝલમાં પ્રતિલિટર ૨૧ પૈસાનો વધારો ઝીંકાયો છે. હવે આ વધારાના પગલે ચારે મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ. ૮૦ પર પહોંચી ગઇ છે, જ્યારે મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ રૂ. ૮૬.૯૧ પર પ્રતિલિટર થઇ ગઇ છે.

રૂપિયામાં સતત ઘટાડો અને ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો જોતા નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલમાં હજુ પણ છ ટકાનો વધારો ઝીંકાઇ શકે છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવું નિવેદન કર્યું છે કે દેશમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૧૦૦ થઇ જશે એવા એંધાણ વરતાઇ રહ્યાં છે.

ડીઝલના ભાવમાં પણ સતત વધારો જારી છે. આજે દિલ્હીમાં ડીઝલ પ્રતિલિટર ૨૧ પૈસા મોંઘું થયું છે. દિલ્હી, ચેન્નઇ, કોલકાતા અને મુંબઇમાં ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ. ૭૧ને વટાવી ગઇ છે. મહારાષ્ટ્રમાં એક લિટર ડીઝલના ભાવ સૌથી વધુ છે અને રૂ. ૭૫.૯૬ની સપાટીએ પહોંચી ગયા છે.

એક બાજુ ભારત દુનિયાના કેટલાય દેશોને અડધા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચે છે, જ્યારે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ઘરેલુ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો પણ ઇનકાર કરી રહી છે, જેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ નજીકના ભવિષ્યમાં ઘટે તેવી કોઇ શક્યતા જણાતી નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે લિબિયા અને ઇરાન જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોમાં સપ્લાયને લઇને ચિંતા છે અને તેના પરિણામે અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટી શકે છે. જો ઇન્વેન્ટરી ઘટશે તો બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૮૦ ડોલરની સપાટી વટાવી જશે, જેની અસર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા તરીકે જોવા મળશે.

You might also like