પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે વધારો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અઢી વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે. માગ વધતાં તથા સાઉદી અરેબિયામાં રાજકીય સંકટના પગલે ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે કીસ્ટોન પાઇપલાઇનમાં ભંગાણ થતાં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવને સપોર્ટ મળ્યો છે, જેના પગલે સ્થાનિક ઓઇલ કંપનીઓની ઊંચી ખરીદ પડતરના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

એક મહિનામાં શહેરમાં ડીઝલના ભાવમાં પ્રતિલિટરે ૮૪ પૈસાનો વધારો નોંધાઇ ચૂક્યો છે. આજે ડીઝલના ભાવ વધીને ૬૧.૯૫ની સપાટીએ જોવા મળ્યા છે, જ્યારે પેટ્રોલના ભાવમાં પણ પાછલા એક મહિનામાં પ્રતિલિટર ૩૨ પૈસાનો વધારો નોંધાઇ ચૂક્યો છે. આજે પેટ્રોલના ભાવ રૂ. ૬૮.૦૮ની સપાટીએ પહોંચી ગયા છે.

ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ-ઓપેક સહિત કેટલાક નોન ઓપેક દેશો પણ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે, જેના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

You might also like