૨૦૧૬માં પેટ્રોલમાં લિટરે રૂ. ૯, ડીઝલમાં રૂ. ૧૩નો વધારો

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી છે. ઓપેક દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયા બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. વૈશ્વિક ક્રૂડ ૫૦ ડોલર પ્રતિબેરલની સપાટી ક્રોસ કરી દીધી છે. નોંધનીય છે કે હાલ પેટ્રોલના ભાવ રૂ. ૭૦.૭૮, જ્યારે ડીઝલ રૂ. ૬૩ પ્રતિલિટરની સપાટીએ જોવા મળી રહ્યું છે.

દરમિયાન રૂપિયામાં જોવા મળેલા ઘટાડાના પગલે સ્થાનિક બજારમાં પણ ઓઇલ પડતર ઊંચી આવતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬નો ડેટા જોઇએ તો પેટ્રોલમાં ચાલુ વર્ષે રૂ. ૯નો વધારો જોવાઇ ચૂક્યો છે, જ્યારે ડીઝલમાં પ્રતિલિટરે રૂ. ૧૩.૮૨નો વધારો નોંધાયો છે.

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવાયેલા સુધારાના પગલે સ્થાનિક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં હજુ વધારો જોવાઇ શકે તેવી શક્યતા વધુ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થાનિક લેવલે હજુ પણ ભાવવધારો જોવાય તેવો મત ડીલર્સ એસોસિયેશન દ્વારા વ્યક્ત કરાયો છે.
http://sambhaavnews.com/

You might also like