શહેરમાં પાંચ મહિનામાં ડીઝલમાં લિટરે ૧૦.૬૧, જ્યારે પેટ્રોલમાં ૫.૭૪ રૂપિયાનો વધારો થયો

અમદાવાદ: તાજેતરમાં જ પેટ્રોલમાં લિટરે ૨.૫૮ રૂપિયા જ્યારે ડીઝલમાં ૨.૨૬ રૂપિયાનો વધારો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઊંચા ભાવ તથા રૂપિયાના ઘટાડાના કારણે ઓઇલ કંપનીઓની ઊંચી ખરીદ પડતરના કારણે પેટ્રોલના-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પાછલા પાંચ મહિનાના ડેટા જોઇએ તો અમદાવાદ શહેરમાં પેટ્રોલમાં પ્રતિલિટરે રૂ. ૫.૭૪ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં પ્રતિલિટરે રૂ. ૧૦.૬૧નો વધારો થયો છે. રાજ્યમાં વેટના ઊંચા રેટના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે શહેરમાં તાજેતરમાં ૨.૫૮ રૂપિયાનો પેટ્રોલમાં વધારો કરાતાં નવો ભાવ વધીને રૂ. ૬૭.૫૧ની સપાટીએ પહોંચી ગયો છે. ડિસેમ્બર ૨૦૧૫ના અંતમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટરે ૬૧.૭૭ રૂપિયા હતો. આમ, શહેરમાં લિટરે ૫.૭૪ રૂપિયાનો વધારો છેલ્લા પાંચ મહિનામાં ઝીંકાયો છે. એ જ પ્રમાણે ડીઝલનો ભાવ ડિસેમ્બર મહિનાના અંતમાં ૫૦ રૂપિયાની નીચે ૪૯.૨૧ રૂપિયા હતો. હાલ શહેરમાં ડીઝલ ૫૯.૮૨ રૂપિયે વેચાઇ રહ્યું છે. પાંચ મહિનામાં ડીઝલમાં ૧૦.૬૧ રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે.

એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ ૫૦ ડોલર પ્રતિબેરલની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે. જો ૫૫ ડોલરની સપાટીએ જાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઇ રહી છે. એટલું જ નહીં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ઊંચા વેટના દરના કારણે ભાવ ઊંચા છે.

You might also like