પેટ્રોલ-ડીઝલના ભાવ સમગ્ર દેશમાં એકસમાન લાગુ કરવાની માગ

મુંબઇ: હાલ દેશનાં જુદાં જુદાં રાજ્યમાં વેટના જુદા જુદા રેટના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ જુદા જુદા જોવા મળી રહ્યા છે. વર્તમાન ભાવની આ અસમાન વ્યવસ્થા દૂર કરીને પેટ્રોલ-ડીઝલ સહિત તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે દેશભરમાં એકસમાન કિંમત રાખવાની માગ ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને કરી છે. એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વિવિધ રાજ્ય વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત ના હોવો જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના એકસમાન દર લાગુ થવાના કારણે વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં લાવવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ વિવિધ રાજ્યમાં વેટના જુદા જુદા દરના કારણે ડીઝલમાં ૬૦ પૈસાથી ચાર રૂપિયા પ્રતિલિટર અને પેટ્રોલમાં એક રૂપિયાથી ૭.૫૦ રૂપિયા પ્રતિલિટરનો તફાવત છે.

એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે તામિલનાડુમાં પેટ્રોલ પર સૌથી વધુ ટેક્સ લાગે છે જ્યારે ગોવામાં સૌથી ઓછો ટેક્સ લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડીઝલના મામલે હરિયાણામાં સૌથી ઓછો ટેક્સ લાગે છે.

તો રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે!
હાલ રાજ્યમાં પેટ્રોલ પર ૨૮ ટકા વેટ વસૂલવામાં આવે છે. એ જ પ્રમાણે ડીઝલમાં ૨૬ ટકા વેટ વસૂલાય છે. જો એકસમાન રેટ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

You might also like