હવે લોકોને ઘર આંગણે પેટ્રોલ-ડીઝલની ડિલિવરી કરવામાં આવશે

નવી દિલ્હી: સરકારે હવે દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવોની સમીક્ષા કરી દીધી છે. સરકારનું હવે પછીનું પગલું લોકોને પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે. આ ઉપરાંત સરકાર એવું પણ ઈચ્છે છે કે રસ્તામાં જો કોઈના વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ખલાસ થઈ જાય તો તેને એક ફોન પર પેટ્રોલ અને ડીઝલ પહોંચાડવામાં આવશે. અલબત્ત આ માટે ડિલિવરી ચાર્જ લેવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી કરવાની યોજનાનો અમલ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે કામ શરૂ કરી દીધું છે. આ યોજનાનું મોડલ કેવું હશે તેના પર એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શક્ય છે કે ત્રણથી ચાર મહિનામાં તેની વિધિવત્ જાહેરાત કરી દેવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની સુવિધા ૨૪ કલાક આપવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે આ યોજનાને લાગુ કરવાથી પેટ્રોલિયમ સેક્ટરમાં આવક વધશે અને સાથે સાથે નવા રોજગાર પણ ઉભા થશે.

આ યોજના શરૂ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલય બે મોડલ પર વિચાર કરી રહી છે. પ્રથમ મોડલ એ છે કે તેનો અમલ પેટ્રોલ પમ્પ ડીલર્સ દ્વારા કરાવવામાં આવે. જ્યારે બીજું મોડલ તેમાં ખાનગી સેક્ટરની કંપનીઓને સામેલ કરવામાં આવે. ખાનગી કંપનીઓને ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરશે અને ત્યાર બાદ તેઓ હોમ ડિલિવરીનું કામકાજ કરશે. ડિલિવરીનો ચાર્જ કિ.મી.ના હિસાબે લેવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like