એક લિટર પેટ્રોલમાં ૨૦૦ કિલોમીટર ચાલતી કાર સિંગાપોરમાં પ્રદર્શિત થશે

બેંગલુરુ: બેંગલુરુની રેવા ઇન્સ્ટિટયૂટ અોફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઅોઅે એક એવી કોન્સેપ્ટ કાર ડેવલપ કરી છે, જે અોટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મોટાં પરિવર્તનો લાવી શકે છે. મિકેનિકલ એન્જિનિયરીંગના થર્ડ યરના વિદ્યાર્થીઅોઅે બનાવેલી અા અર્બન કોન્સેપ્ટ કાર અંગે એવું કહેવાય છે કે તે એક લિટર પેટ્રોલમાં ૨૦૦ થી ૨૫૦ કિલોમીટર સુધીનું અંતર કાપશે. વિદ્યાર્થીઓએ અા અર્બન કોન્સેપ્ટ કારની ડિઝાઈન ૯૦ ટકા સુધી પૂરી કરી લીધી છે.

સિંગાપોરમાં અાવતા વર્ષે યોજાનાર ‘શેલ ઇકો મેરેથોન’માં અા કોન્સેપ્ટ કાર પ્રદર્શિત કરાશે. પ્રો. શહનવાઝ પાટીલ અને પ્રો. મોહંમદ ઇરફાનના માર્ગદર્શનમાં અમર્ત્ય સાહ વિદ્યાર્થીઅોની ટીમને લીડ કરી રહ્યા છે. ટીમમાં સામેલ કરાઈ રહેલા વિદ્યાર્થીઅોમાંથી પાંચ પશ્ચિમ બંગાળ, બે ઉત્તર પ્રદેશ અને એક ઝારખંડ તેમજ એક બાંગ્લાદેશનાે છે.

અા વિદ્યાર્થીઅોમાં મુજકીર શરીફ, મોહંમદ ઇરફાન, એસ. કે. મહેબૂબ મુરસીદ, મોહંમદ અાતિફ, તોયોદ હાલદાર, સુજિત રાણા, નીતેશ પ્રજાપતિ સામેલ છે. શેલ કંપની સિંગાપોરમાં એક પ્રદર્શનનું અાયોજન કરી રહી છે, જેમાં શહેરી વિસ્તારો માટે ખાસ રીતે ડિઝાઈન કરાયેલી કાર પ્રદર્શનમાં મુકાશે. ૨૦ દેશોની ૧૭૨ ટીમ તેમાં સામેલ થશે. ભારત તરફથી અા માટે ૧૮ ટીમની પસંદગી કરવામાં અાવી છે. રેવા કોલેજ કર્ણાટકને પ્રેઝન્ટ કરશે. અમર્ત્ય સાહે જણાવ્યું કે અા કારમાં બે સીટ હશે, તેને ખાસ રીતે તૈયાર કરાઈ છે, તેમાં ખૂબ જ અોછું ઇંધણ વપરાશે.

અમર્ત્ય પોતાની અા કોન્સેપ્ટ કારના એન્જિનની ખૂબીઅો અંગે જણાવતાં કહે છે કે અા કાર સામાન્ય કાર કરતાં અલગ હશે. સિલિન્ડર અને તેનાં હેડ જરૂરિયાત પ્રમાણે તૈયાર કરાયાં છે. કાર્બોરેટરની જગ્યાઅે ઇલેકટ્રિકલ ફ્યૂઅલ ઇન્જેક્શન સિસ્ટમનો ઉપયોગ કરાશે. અા ગાડીને એક્ઝોસ્ટ પાઈપથી તૈયાર કરાઈ છે. ગાડીને હળવી બનાવાઈ છે, જેથી વધુ માઈલેજ અાપી શકે.

You might also like