ક્રૂડના ભાવમાં જંગી ઘટાડાના પગલે પેટ્રોલ-ડીઝલ સસ્તાં થશે

નવી દિલ્હી: સામાન્ય લોકો માટે હવે ખુશખબર મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થઇ શકે છે. વાસ્તવમાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં પ્રતિબેરલ લગભગ સાત ડોલરનો ઘટાડો થયો છે.

ગુરુવારે પેટ્રોલમાં છ પૈસાનો અને ડીઝલમાં ૧૨ પૈસાનો પ્રતિલિટર ઘટાડો થયો હતો, પરંતુ હવે ક્રૂડના ભાવમાં ધરખમ ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની અપેક્ષા છે.

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે પ્રતિલિટર રૂ. ૭૬.૭૮ અને રૂ. ૬૮.૩૫ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ઇંધણની કિંમત, વિનિમયદર અને ટેક્સના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે, પરંતુ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે ખાસ કરીને ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી સરકાર અને શાસક પક્ષને પણ રાહત મળશે. ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં પ્રતિબેરલ સાત ડોલરના ઘટાડાના પગલે ભાવ ૭૨ ડોલરે પહોંચી ગયો છે.

You might also like