આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં તેજી, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલમાં આવેલી તેજીથી ઘરેલુ વાયદાબજાર એમસીએક્સ પર તેલના વાયદામાં બે ટકાથી વધુ ઉછાળો આવ્યો છે. અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડાર ઘટતાં અને ડોલરમાં આવેલી કમજોરી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી છે.

ક્રૂડ ઓઇલની તેજીને ઇરાન પર અમેરિકન પ્રતિબંધનો સપોર્ટ પણ મળી રહ્યો છે. કોમોડિટી બજારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીના કારણે ઘરેલુ વાયદાબજારમાં ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

એમસીએક્સ પર સપ્ટેમ્બર ડિલિવરી ક્રૂડ ઓઇલના વાયદામાં રૂ. ૯૮ એટલે કે ૨.૧૨ ટકાની તેજી સાથે પ્રતિબેરલ ૪,૭૧૫ રૂપિયે ટ્રેડ કરી રહ્યું હતું. અગાઉ વાયદામાં રૂ. ૪,૭૨૦ સુધીનો ઉછાળો આવ્યો હતો એટલે હવે સૂત્રોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ હજુ વધુ મોંઘાં થશે.

જોકે દેશનાં વિવિધ મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોઇ બદલાવ થયો નથી. ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવની ઘરેલુ પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર થશે તેવું સૂત્રોનું કહેવું છે.

You might also like