ભારત બંધની ઐસી કી તૈસીઃ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

નવી દિલ્હી: ગઇ કાલે ભારત બંધને વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતમાં હાલ તરત રાહત મળવાના કોઇ અણસાર નથી. ભારત બંધના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં પ્રતિ લિટર ૧૪ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાના પગલે મહારાષ્ટ્રમાં પેટ્રોલની પ્રતિલિટર કિંમત રૂ. ૯૦ની સપાટીને વટાવી ગઇ છે.

આજે પાટનગર નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને પ્રતિ લિટર રૂ.૮૦.૮૭ અને ડીઝલ રૂ. ૯૨.૯૭ થઇ ગયો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ ૧૫ પૈસા વધીને રૂ. ૮૮.૨૬ અને ડીઝલનો ભાવ પણ રૂ. ૭૭.૪૭ પર પહોંચી ગયો હતો.

આ ઉપરાંત નાનાં શહેરોમાં પણ પેટ્રોલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના પરભાની શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૦ની સપાટીને વટાવીને રૂ. ૯૦.૦૫ પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૭૭.૯૨ છે. મહારાષ્ટ્ર એવું રાજ્ય છે કે જ્યાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલવામાં આવે છે.

અહેવાલો અનુસાર હવે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પ્રતિલિટર રૂ. ૯૦ની સપાટીને વટાવી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે, જેના પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

આજે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૭૭.૫ ડોલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે જ્યારે નાયમેક્સ પર ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૬૭.૧૭ ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે. દરમિયાન એસોચેમના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલની વધતી કિંમત માટે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે તેથી તેને જીએસટીના દાયરામાં લાવવું જોઇએ.

You might also like