પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાંથી મળશે રાહત, ત્રણથી ચાર રૂપિયાનો થઇ શકે છે ઘટાડો

નવી દિલ્હી: છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અને પેટ્રોલ ડીલર એસોશિયન સાથે બેઠક યોજશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકના પગલે સામાન્ય માનવીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાંથી રાહત મળશે અને પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ત્રણથી ચારનો ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવના મામલે આજે સાંજે યોજાનારી બેઠકમાં એક્સાઈઝ ડ્યૂટી અને વેટ ઘટાડવા અંગે નિર્ણય લઈ શકાય છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ ગઈ કાલે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલમાં પ્રતિલિટર રૂ.૨.૫૪ અને ડીઝલમાં પ્રતિલિટર રૂ.૨.૪૧નો ભાવવધારો ઝીંકાયો છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે મોદી સરકાર બેકફૂટ પર મુકાઈ ગઈ છે અને તેથી હવે ભાવ ઘટાડવા માટે પગલાં લેવાં પડશે. આ મુદ્દે નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે.

પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથેની આજની બેઠકમાં ભાવઘટાડા અંગે ચર્ચા કરવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સામાન્ય માનવીને રાહત આપવા અમે શક્ય તમામ પ્રયાસો કરીશું.

રેકોર્ડ સ્તરે પહોંચેલા પેટ્રોલની કિંમત સોમવારે રૂ.૮૪ના આંકડાને વટાવી દીધી હતી. એ જ રીતે ડીઝલના ભાવ પણ વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. ઈન્ડિયન ઓઈલ કંપનીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મંગળવારે એક ‌િલટર પેટ્રોલનો ભાવ રૂ. ૭૬.૮૭ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે મુંબઈમાં આ ભાવ રૂ. ૮૪.૭૦ની સપાટીએ પહોંચી ગયો છે. કોલકાતામાં પ્રતિલિટર રૂ. ૭૯.૫૩ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ.૮૦ની આસપાસ આંબી ગયો છે.

You might also like