ત્રણ સપ્તાહ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંકાયો

અમદાવાદ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લાં ત્રણ સપ્તાહથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટની યથાવત્ સ્થિતિ જાળવી રાખી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. એટલું જ નહીં ડોલર સામે રૂપિયો પણ ધોવાઇને ૬૭ની સપાટીએ પહોંચી ગયો હતો.

ઓઇલ કંપનીઓને આયાત પડતર મોંઘી પડતી હોવા છતાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પગલે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવવધારો કરવાનું ટાળ્યું હતું, જોકે ત્રણ સપ્તાહના સમયગાળા બાદ ફરી એક વખત આવતી કાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પૂર્વે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે.

ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૭ પૈસાનો વધારો કરતા ભાવ વધીને રૂ. ૭૩.૯૪ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે, જ્યારે ડીઝલના ભાવમાં ૫૫ પૈસાનો વધારો કરતા ૭૧ની સપાટીની નજીક પ્રતિલિટર રૂ. ૭૦.૯૦ પર પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૭૬.૭૩ ડોલર પ્રતિબેરલ, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૭૦.૪૭ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે.

અમેરિકાએ ઇરાન સાથે પરમાણું સંધિ રદ કરતાં તથા આર્થિક પ્રતિબંધો લાદતાં ક્રૂડના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ૨૪ એપ્રિલ બાદ ક્રૂડની કિંમતમાં ચાર ડોલર પ્રતિબેરલ કરતાં પણ વધુનો ભાવવધારો જોવાઇ ચૂક્યો છે. સરકારી ઓઈલ કંપનીઓને ક્રૂડની ઊંચી કિંમત તથા ડોલર સામે રૂપિયાની નરમાઇના પગલે કરોડો રૂપિયાનું રોજનું આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે અને તેથી અપેક્ષા મુજબ ભાવવધારો નિશ્ચિત હતો.

સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંક્યો છે. આ અંગે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના અગ્રણી અરવિંદભાઇ ઠક્કરના જણાવ્યા પ્રમાણે પેટ્રોલના ભાવમાં આજે ૧૭ પૈસાનો વધારો ઝીંકાયો છે, જે વધીને રૂ. ૭૩.૯૪ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે.

You might also like