હાશ! આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહીં, જોકે આ રાહત અલ્પજીવી

નવી દિલ્હી: છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનો સિલસિલો આજે અટકી ગયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઇ ફેરફાર થયો નથી. આ સમાચાર સામાન્ય લોકો માટે થોડા રાહતરૂપ છે. છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલના ભાવ વધવાનો સિલસિલો જારી હતો.

મંગળવારે મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત રૂ. ૮૮.૨૬ અને દિલ્હીમાં રૂ. ૮૦.૮૭ નોંધાઇ હતી, જ્યારે ડીઝલનો ભાવ પણ મુંબઇમાં પ્રતિલિટર રૂ. ૭૭.૪૭ અને દિલ્હીમાં રૂ. ૭૨.૯૭ હતો. મુંબઇના પરભણીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૦ની સપાટીને વટાવી ગયો હતો.

સૂત્રોનું કહેવું છે કે આજે પેટ્રોલમાં મળેલી રાહત એ અલ્પજીવી પુરવાર થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૦.૨૫ ટકાના વધારા સાથે આજે ૭૯.૩ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.

આમ, હવે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિબેરલ ૮૦ ડોલરની નજીક છે, જેના કારણે ઘરેલુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તે નિશ્ચિત છે. એ જ રીતે નાયમેક્સ પર ડબ્લ્યુટીઆઇ ક્રૂડના ભાવમાં ૦.૮ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ભાવ ૬૯.૮ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.

દરમિયાન પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ સામે દાખલ કરવામાં આવેલી એક પિટિશનની આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ શકે છે. આ પિટિશનમાં પેટ્રોલ-ડીઝલના ભાવને બ્રેક મારવા દાદ માગવામાં આવી છે. જનહિત અરજી સ્વરૂપે દાખલ કરાયેલી આ પિટિશનમાં કેન્દ્રને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને રોકવા આદેશ જારી કરવા માગણી કરવામાં આવી છે.

એટલું જ નહીં એડ્વોકેટ એ. મૈત્રી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં એવો આક્ષેપ મુકાયો છે કે સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મરજી મુજબનો વધારો કરવાની પરોક્ષ રીતે મંજૂરી આપી દીધી છે.

You might also like