પેટ્રોલમાં લિટરે ૫૦ પૈસા, ડીઝલમાં ૪૬ પૈસાનો ઘટાડો

નવી દિલ્હી : આજે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૫૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડો આજે મધરાતથી અમલમાં આવશે. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ લિટર દીઠ રૂ.૫૯.૯૮ રહેશે જે હાલ રૂ.૬૦.૪૮ છે. તે જ રીતે ડીઝલનો નવો ભાવ લિટર દીઠ રૂ.૪૬.૦૯ રહેશે જે હાલ રૂ.૪૬.૫૫ છે.

જ્યારે કોલકાતામાં પેટ્રોલનો નવો ભાવ લિટરદીઠ રૂ.૬૫.૫૩, મુંબઈમાં રૂ.૬૭.૦૪, ચેન્નાઈમાં રૂ.૬૦.૨૮ રહેશે. કોલકાતામાં ડીઝલનો નવો ભાવ લિટરદીઠ રૂ.૪૯.૭૦,મુંબઈમાં રૂ.૫૩.૨૮ અને ચેન્નાઈમાં રૂ.૪૭.૨૮ રહેશે. આ મહિનામાં આ બીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. ૧લી ડિસેમ્બરે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૫૮ પૈસાનો અને ડીઝલમાં લિટર દીઠ ૨૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેનો ભાવ ગઈકાલે બેરલ દીઠ ૩૪.૩૯ ડોલર રહ્યો હતો,જે છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી ઓછો ભાવ હતો.પરંતુ નવા ભાવની ગણતરી માટે પખવાડિયાની જે સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે તે મુજબ તે ૪ થી ૫ ડોલર વધારે હતો. ગઈકાલે અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ગગડીને રૂ.૬૬.૯૯ રહ્યો હતો. અગાઉ ભાવ ઘટાડા માટે ગણતરીમાં લેવામાં આવેલા નવેમ્બરના બીજા પખવાડિયાની આ સરેરાશ રૂ.૬૬.૨૧ રહી હતી.

ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગણતરીને ધ્યાનમાં લેતા આ બંન્ને પેદાશોમાં લિટર દીઠ રૂ.૨નો ઘટાડો થઈ શકે તેમ હતું. પરંતુ આવક વધારવા માટે સરકાર બંન્ને ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટી વધારશે તેવા સંકેતોને લીધે ઓઈલ કંપનીઓએ વચ્ચે થોડો ગાળો રાખ્યો છે.અગાઉ ૭મી નવેમ્બરે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ રૂ.૧.૬૦ અને ડીઝલમાં લિટર દીઠ ૪૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

You might also like