શીનાની હત્યાની ઇન્દ્રાણીએ પીટર મુખરજીને જાણ કરી હતી

મુંબઇ : સનસનાટીભર્યા શીના બોરા હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ અત્રે વિશેષ અદાલત સમક્ષ ખુલાસો કર્યો હતો કે મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખરજીએ પોતાના પતિ અને પૂર્વ મિડિયા માંધાતા પીટર મુખરજીને પોતાની પુત્રીની ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ થયેલી હત્યા વિશે જણાવ્યું હતું. પીટર મુખરજીની જામીન અરજીનો જવાબ આપતાં તપાસ એજન્સીએ સીબીઆઇના વિશેષ ન્યાયમૂર્તિ એચ. એસ. મહાજનને જણાવ્યું હતું કે, ઇન્દ્રાણીએ કબૂલ કર્યું છે કે તેણે ૨૪ એપ્રિલ, ૨૦૧૨ના રોજ થયેલી શીનાની હત્યા અંગે પીટરને જાણ કરી હતી.

સીબીઆઇએ જણાવ્યું કે ઇન્દ્રાણીએ ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરે સીબીઆઇ સમક્ષ પોતાનું નિવેદન આપતાં આ કબૂલાત કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ધરપકડ કરાયેલા પીટરની જામીન અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો હતો. હત્યાના કાવતરામાં સામેલ હોવાના આધારે પીટરની ધરપકડ કરવામાં આવી હતી. પીટર પર એવો પણ આરોપ છે કે તેણે પોતાના પુત્ર અને શીનાના મંગેતરથી શીનાના ગુમ થવાની માહિતી છૂપાવી હતી.

સીબીઆઇએ જણાવ્યું કે પીટર મુખ્ય આરોપી અને પોતાની પત્ની ઇન્દ્રાણીના સંપર્કમાં શીનાની હત્યાના દિવસથી જ હતો અને તે પછીના દિવસે તેનો મૃતદેહ ફેંકી દેવાયો ત્યાં સુધી તેના સંપર્કમાં હતો તે પણ કાવતરામાં સામેલ હતો અને આ હકીકત (શીનાની હત્યા) તેણે પોતાના પુત્ર રાહુલ મુખરજીથી પણ છૂપાવી હતી. સીબીઆઇએ કોર્ટને જણાવ્યું કે તે કેટલાંક મહત્વના દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને તપાસ હજુ પણ ચાલુ છે.

અદાલતે આગામી ૩૦ જાન્યુઆરી સુધી પીટરની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી હતી. દરમ્યાન, ઇન્દ્રાણી, તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામવીર રાયને અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં ઇન્દ્રાણીની પુત્રી વિધિ (સંજીવ ખન્નાથી થયેલી), ખન્નાના સગાસંબંધી અને પીટરના અન્ય સંબંધી પણ હાજર હતા. ઇન્દ્રાણીના પૂર્વ પતિ સંજીવ ખન્નાની જામીન અરજી પર પણ સીબીઆઇ ૩૦મી જાન્યુઆરીએ જવાબ આપે તેવી શક્યતા છે.

અદાલતે સીબીઆઇને આદેશ આપ્યો હતો કે ઇન્દ્રાણીએ જે અરજીમાં સરકારી જે જે હોસ્પિટલ પાસેથી પોતાનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે તેનો પણ તે જવાબ આપે. પોતાના વકીલ કુશલ મોર દ્વારા દાખલ કરેલી જામીન અરજીમાં પીટરે જણાવ્યું હતું કે સીબીઆઇ તેની ધરપકડ કરવા માટે કોઇ પૂરાવા મેળવી શકી નથી. તેને ૧૧ દિવસ કસ્ટડીમાં રાખ્યો છે અને તેનો સાઇકો એનાલિસિસ અને પોલિગ્રાફ તપાસ પણ થઇ ચૂકી છે. શીનાની બાબતે પોતે પોતાના પુત્રને ગુમરાહ કર્યો હોવાના આરોપને પણ પીટરે નકારી કાઢ્યો છે.

You might also like