ઇન્દ્રાણીને ડિવોર્સ આપવા આખરે પીટર મુુખરજી તૈયાર થઈ ગયો

મુંબઇ: પૂર્વ મીડિયા ટાઇકૂન પીટર મુખરજી પત્ની ઇન્દ્રાણી મુખરજીને ડિવોર્સ આપવા તૈયાર થઇ ગયો છે. ઇન્દ્રાણી શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. પીટર પણ આ જ કેસમાં જેલમાં બંધ છે. હત્યા બાબતે ઇન્દ્રાણીનાં વકીલે મુંબઇમાં કોર્ટની બહાર જણાવ્યું કે ડિવોર્સની પ્રક્રિયામાં હજુ થોડો સમય લાગશે, કેમ કે હજુ બંને જેલમાં છે.

તેમણે કહ્યું કે અમને પીટરના વકીલનો પોસ્ટ દ્વારા જવાબ મળ્યો છે અને અરસપરસની સહમતીથી તેઓ છૂટછેડા માટે માની ગયાં છે. પીટર મુખરજીના વકીલે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે ઇન્દ્રાણીની નોટિસ પર જવાબ મોકલી દેવાયો છે અને છૂટાછેડાની શરતો પર અમે કામ કરી રહ્યાં છીએ.

આ પહેલાં ઇન્દ્રાણી મુખરજીએ પતિ પીટર મુખરજીને જેલમાંથી જ ડિવોર્સની નોટિસ મોકલી હતી. ડિવોર્સની નોટિસમાં કહેવાયું હતું કે બંનેએ લવમેરેજ કર્યાં હતાં. પહેલાંથી જ નક્કી ફાઇનાન્શિયલ સેટલમેન્ટને માનતા પીટરે અરસપરસની સહમતીથી ડિવોર્સ માટે રાજી થવું પડે. સેટલમેન્ટમાં સંપત્તિની વહેંચણીને લઇ કહેવાયું હતું કે બંનેની સંપત્તિ સ્પેન અને લંડનમાં છે. આ ઉપરાંત બેન્ક એફડી અને અન્ય ખાતાંઓનો ઉલ્લેખ છે.

પીટર અને ઇન્દ્રાણીએ ૮ નવેમ્બર, ર૦૦રના રોજ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ અને ૧૦ નવેમ્બર, ર૦૦રના રોજ હિંદુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઇન્દ્રાણીની તબિયત ખરાબ છે.

થોડા અઠવાડિયાં પહેલાં એ‌િન્ટ ડિપ્રેશન દવાના ઓવરડોઝના કારણે ઇન્દ્રાણીની હાલત બગડતાં હોસ્પિટલમાં ભરતી કરાવાઇ હતી. હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે ઓવરડોઝ કેવી રીતે થયો? ઇન્દ્રાણી અગાઉ પણ પોતાનો જીવ ખતરામાં હોવાનું જણાવી ચૂકી છે.

You might also like