પીઆઇ પર્સનલની ચેમ્બરમાં રપ,૦૦૦ ડોલરની માગણી કરાઇ

અમદાવાદ: અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી પરત આવેલા દંપતી પાસેથી રપ,૦૦૦ ડોલરની માગણી કર્યાનો ચોંકાવનારો કિસ્સાે પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર (પીઆઇ) પર્સનલની ચેમ્બરમાં પોલીસના વહીવટદાર દ્વારા કેસ રફેદફે કરવા મામલે રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના મામલે એસીપીએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અા કેસમાં અન્ય પોલીસકર્મીઓની સંડોવણી સામે અાવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ-વલ્લભવિદ્યાનગરમાં આવેલા રાજદીપ બંગલોઝમાં રહેતા રાજન રમણભાઇ પટેલ તથા તેમનાં પત્ની ગઇ કાલે અમેરિકાથી અમદાવાદ આવ્યાં હતાં. ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગમાં પાસપોર્ટ મામલે પતિ-પત્નીની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ દંપતીને સરદારનગર પોલીસને હવાલે કરાયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરદારનગર વિસ્તારમાં રહેતા અને પોલીસ કર્મીઓનો વહીવટ સંભાળતા મેહુલ નામના શખ્સે પોલીસ ઇન્સ્પેકટરની ચેમ્બરની બાજુમાં આવેલા તેમના પર્સનલ સ્ટાફની ઓફિસમાં રાજનભાઇ તથા તેમનાં પત્નીની આકરી પૂછપરછ કરી હતી.

એકાદ કલાક પૂછપરછ કર્યા બાદ મેહુલે કેસ રફેદફે કરવા માટે રાજનભાઇ પાસે રપ,૦૦૦ ડોલરની માગણી કરી હતી. રૂપિયા નહીં આપીને રાજનભાઇએ એસીપી મંજિતા વણઝારાને સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી.  જેમાં એસીપી મંજિતા વણઝારાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મેહુલ નામના શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની સંડોવણી સામે આવે તેવી શકયતાઓ છે.
http://sambhaavnews.com/

You might also like