પિરિયડ ફિલ્મ અને વિવાદો

મણિકર્ણિકા ફિલ્મે પણ વિવાદોનો મધપૂડો છેડ્યો હતો. હાલમાં આ ફિલ્મનો વિવાદ સમી ગયો છે અને તેનું શૂટિંગ પુનઃ શરૃ થયું છે.

હવે બોલિવૂડમાં પિરિયડ ડ્રામા ફિલ્મનો દોર શરૃ થયો છે. સાથે જ આ પ્રકારની ફિલ્મો સાથે વિવાદોનો પણ દોર ચાલ્યો છે. ‘પદ્માવત’ તેનું તાજું ઉદાહરણ છે જ્યારે કંગના રાણાવતની ‘મણિકર્ણિકા’ને પણ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તો વળી અજય દેવગણે ‘તાનાજી ધ અનસંગ’ વારિયર ફિલ્મની રિલીઝ ડેટ ડિક્લેર કરી ટાળી દીધી હતી. ચર્ચા એવી છે કે તાનાજી ફિલ્મ આવશે તે સમયે મરાઠા સમાજ વિરોધ કરી શકે છે…..

 

પ્રેક્ષકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવા તે નાની સૂની વાત નથી અને તેમાં પણ જ્યારે બાયોપિક કે કોઈ ઇતિહાસની ગાથા હોય ત્યારે તો દર્શકોની અપેક્ષા વધી જતી હોય છે. આવા સમયે તેમની કસોટીમાં ખરા ઊતરવું જંગ જીતવા જેવંુ બની જાય છે. તો પિરિયડ ડ્રામા ફિલ્મોને લઈને આવવાનું હોય ત્યારે વિરોધ થશે કે કેમ તે ડર પણ સતાવતો હોય છે અને જો એમ થાય તો તે વિરોધને ડામવાના તમામ પ્રયત્ન કરવાની તૈયારી પહેલેથી જ કરવી પડે છે.  આ બધી જહેમત પછી પણ બોલિવૂડમાં આવી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે તે સારી વાત છે. આજે અહીં પણ એવી જ ફિલ્મોની વાત કરવાની છે.

અજય દેવગણના ચાહકોની ગણતરી કરવી પડે તેમ નથી, કારણ કે તે કોઈ પણ પ્રોજેક્ટ લઈને આવે તેની ફિલ્મો સફળતાનો સ્વાદ ચાખી જ લે છે. પોતાના ચાહકો પરના વિશ્વાસને લઈને અજય ધ ગ્રેટ તાનાજીનો કિરદાર નિભાવવા જઈ રહ્યો છે. મરાઠા સમાજમાં શિવાજીનું નામ પડે એટલે તેમની વીરતાના એક બે નહીં, પણ અગણિત ઉદાહરણો સામે આવી જાય છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે શિવાજીના ગુલદસ્તાનું જે સૌથી બહાદુર અને પ્રિય ફૂલ હતંુ તે તાનાજી હતા. આ કિરદારને જાણવા જોવા અને સમજવા ખરેખર રોમાંચિત રહેશે તેવું અજયનું કહેવું છે. તાનાજીઃ ધ અનસંગ વારિયર ફિલ્મમાં અજય તાનાજીની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે અને તેનું સહ-નિર્માણ વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સે પદ્માવતનું પણ નિર્માણ કર્યું હતું.તાનાજીની વાત કરીએ તો તેઓ છત્રપતિ શિવાજી મહારાજના ઘનિષ્ઠ મિત્ર અને વીર નિષ્ઠાવાન સરદાર હતા.

શિવાજી સાથે યુદ્ધમાં જનારા તે સૌથી કાબિલ સૈનિક હતા. પ્રતાપગઢના યુદ્ધ દરમિયાન તાનાજી વીરગતિને પામ્યા જેના કારણે ત્યાંનો કિલ્લો તેમના નામ સિંહગઢથી ઓળખાય છે. મહત્ત્વની વાત એ છે કે આ કિલ્લાને મુગલોના પંજામાંથી છોડાવવામાં આવ્યો હતો. જેની રખેવાળી રાજપૂત ઉદયભાન રાઠોડ કરતા હતા. આ ઉપરાંત પણ ફિલ્મમાં તાનાજીની ઘણી અજાણી વાતો રજૂ કરવામાં આવી છે. જોકે પદ્માવતના વિવાદ પછી આ ફિલ્મને લઈને કોઈ પણ વિવાદ થાય તેવું પ્રોડ્યુસર ઇચ્છતા નથી જેના કારણે જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ફરી કામ કરવાની વિચારણા પણ કરવામાં આવી છે. જેમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે કે મરાઠા સમાજ કે પછી રાજપૂત સમાજને પણ કંઈ વાંધો ન પડે. આ ફિલ્મ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો પ્લાન હતો, પરંતુ જે પ્રમાણે પદ્માવતનો વિરોધ થયો તે જોતા આ ફિલ્મની ડેટ ડિકલેર નથી તેવી વાત ચાલી રહી છે. જોકે અજયે સ્પષ્ટતા કરી છે કે અમારી ફિલ્મને કોઈ મુશ્કેલી પડશે નહીં તેમાં વાંધાજનક કશું જ નથી. ફિલ્મ માટે અજયે ઘણી મહેનત કરી છે એવંુ પણ કહેવાય છે કે અને આ એક બિગ બજેટ ફિલ્મ બની રહેશે. જોકે ચર્ચા તો એવી છે કે આ ફિલ્મના રિલીઝ સમયે કરણી સેનાની જેમ જ મરાઠા સમાજ પણ કોઈ વિરોધ લઈને ઊભો ન થાય.

મણિકર્ણિકા ફિલ્મે પણ વિવાદોનો મધપૂડો છેડ્યો હતો. હાલમાં આ ફિલ્મનો વિવાદ સમી ગયો છે અને તેનું શૂટિંગ પુનઃ શરૃ થયું છે. બોલિવૂડ ક્વીન કંગના મહારાણી લક્ષ્મીબાઈનું કિરદાર નિભાવવા જઈ રહી છે. મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી ફિલ્મને લઈને સર્વ બ્રાહ્મણ મહાસભા નામના એક સંગઠને વિરોધ કર્યો હતો. તેના ખુલાસા રૃપે સંગઠને ફિલ્મના નિર્માતા કમલ જૈનને પત્ર લખી પૂછપરછ કરી હતી કે આ ફિલ્મની સ્ટોરીમાં કયા કયા ઇતિહાસકારો અને જાણકારોની મદદ લેવામાં આવી છે. હકીકતમાં સંગઠનને એવો ડર હતો કે આ સ્ટોરીમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ખોટી રીતે આલેખવામાં આવી છે. જોકે સંગઠનના આ ડરને નિર્માતાએ ખોટો સાબિત કર્યો અને બાંહેધરી આપી કે ફિલ્મમાં કોઈ પણ ઐતિહાસિક તથ્યો સાથે છેડખાની કરવામાં આવી નથી. ઉપરાંત ફિલ્મમાં કોઈ પણ અપમાનજનક દ્રશ્ય બતાવવામાં આવશે નહીં. જેનાથી કોઈની પણ લાગણી દુભાય. ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની વાતને પૂરી ગરિમા સાથે રજૂ કરવામાં આવી છે.

નિર્માતાની આ બાંહેધરીના કારણે મહાસભાએ પોતાનું આંદોલન આટોપી લીધું છે. આ સમય દરમિયાન બંને પક્ષોની વચ્ચે સહમતીનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનો  અંગ્રેજ વ્યક્તિ સાથેનો કોઈ પ્રેમ પ્રસંગ કે ગીત બતાવવામાં આવશે નહીં. ઉપરાંત જયશ્રી મિશ્રાની પુસ્તક સાથે ફિલ્મને કોઈ લેવા-દેવા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, લંડનમાં સ્થાયી થયેલી લેખિકા જયશ્રી મિશ્રાએ પોતાની પુસ્તક ‘રાની’માં તત્કાલીન રાજનીતિક એજન્ટ રોબર્ટ એલિસની સાથે રાણી લક્ષ્મીબાઈને પ્રેમ સંબંધ હતો તેવો ઉલ્લેખ કર્યો હતો. આ દરેક વાતના ખુલાસા પછી હવે ફિલ્મનું ફરી એકવાર શૂટિંગ શરૃ થતાં ફિલ્મના નિર્માતા સહિત કંગના અને પૂરી ટીમ ખુશ છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે.  પ્રસૂન જોષીએ ડાયલોગ પર હાથ અજમાવ્યો છે. કંગનાની સાથે ફિલ્મમાં અંકિતા લોખંડે, સોનુ સૂદ અને ડેની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. બોલિવૂડના નિર્માતાઓ હવે બાયોપિક કે પિરિયડ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે દૂધનો દાઝ્યો છાશ ફંૂકે તે રીતે કામ કરે છે. અજય અને કંગનાની આ ફિલ્મ હાલ તો બધી માથાકૂટોથી બચી ગઈ છે. આશા રાખીએ કે આ જ રીતે તેનું રિલીઝ પણ થઈ જાય, બાકી રહી વાત ફિલ્મ પસંદગીની તો આપણા ઇતિહાસ અને ઇતિહાસકારોને દર્શકો વધાવે જ છે. કેમ ખરું ને..?

——————————–.

You might also like