જર્મનીમાં ભીખ માગવાનો પેરા સ્વિમર કંચનમાલાનો દાવો ખોટો સાબિત થયો

નવી દિલ્હીઃ પેરા સ્વિમર કંચનમાલા પાંડેએ દાવો કર્યો હતો કે જર્મનીમાં પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ દરમિયાન નાણાંની તંગની કારણે તેને ભીખ માગવી પડી હતી, પરંતુ ભારતીય પેરાલિમ્પિક સમિતિ (પીસીઆઇ)ના તપાસ રિપોર્ટમાં કંચનમાલાને જુઠ્ઠું નિવેદન આપવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. પીસીઆઇના જણાવ્યા અનુસાર કંચનમાલાએ પોતાના જ સાથીઓ પાસેથી પૈસા લીધા હતા, કારણ કે ટ્રામમાં ટિકિટ વિના મુસાફરી કરવાને કારણે તેણે ૧૨૦ યુરોનો દંડ ભરવો પડ્યો હતો.

પેરા સ્વિમિંગના અધ્યક્ષ વી. કે. ડબાસની એક સભ્યની તપાસ સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું કે મુખ્ય કોચ કંવલજિતસિંહ, ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા કંચનમાલાના સાથી સ્વિમરો શમ્સ આલમ શેખ, સુયશ નારાયણ જાધવ અને કિરણ સાથે વાત કરવામાં આવી, પરંતુ કોઈએ કંચનમાલાના આક્ષેપો સાચા ઠેરવ્યા નથી.

રિપોર્ટની ખાસ વાત એ હતી કે ડબાસે કંચનમાલા, તેના કોચ અને પેરા સ્વિમરો સાથે ફોન પર વાત કરી અને તેની સાથે થયેલી વાતચીત કોઈને કહ્યા વિના રેકોર્ડ કરી લીધી. પીસીઆઇના અધ્યક્ષ રાવ ઇન્દ્રજિતસિંહે કહ્યું, ”આવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે ભવિષ્યમાં કોઈ જુઠ્ઠું ના બોલે. અમારી પાસે પુરાવા તરીકે તેમની ઓડિયો રેકોર્ડિંગ છે.”

જોકે ત્યાર બાદ જ્યારે કંચનમાલાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ પણ પીસીઆઇ અધિકારી સાથે વાતચીત અને તપાસ રિપોર્ટ અંગે જાણકારી હોવાનો ઇનકાર કરી દીધો હતો.જ્યારે કંચનમાલાના જવાબ અંગે પીસીઆઇને ફરીથી સવાલ કરવામાં આવ્યો ત્યારે તેના અધિકારીએ કહ્યું કે અમારી પાસે તપાસ સમિતિ દ્વારા કંચનમાલા સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ છે. જો તે સતત જુઠ્ઠું બોલીને પીસીઆઇને બદનામ કરશે તો તેને ભવિષ્યમાં ટૂર્નામેન્ટમાં રમવાથી પ્રતિબંધિત પણ કરાઈ શકે છે.

http://sambhaavnews.com/

You might also like