૭૫ બસ માટે ખાનગી ઓપરેટરોને દર મહિને રૂ.૧.૩૫ કરોડ ચૂકવાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ સત્તાવાળાઓની બલિહારીથી ‘લાલ બસ’ તરીકે દેશભરમાં પ્રતિષ્ઠિત શહેરી બસ સેવા સદંતર કથળી ચૂકી છે. એએમટીએસ બસ સેવા ખાડે જવાના મુખ્ય કારણોમાં એક કારણ તંત્ર દ્વારા ખાનગી ઓપરેટરોને લડાવાતા લાડ છે. ખાનગીકરણને રવાડે ચઢેલા સત્તાધીશો ફરીથી ખાનગી ઓપરેટરોને બખ્ખેબખ્ખાં કરાવવા જઈ રહ્યા છે.
અત્યારે એએમટીએસ દરરોજ એક કરોડ રૂપિયાની જંગી ખોટ કરી રહી છે. એએમટીએસની આ જંગી ખોટ સતત વધતી જ જશે કેમ કે સત્તાધીશો એએમટીએસનો કાર્યક્ષમ વહીવટ સંભાળવામાં નિષ્ફળ નિવડ્યા છે. બીઆરટીએસ એટલે અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ૫૫૦ જેટલી બસ ખરીદીને એએમટીએસને સોંપાઈ છે. આ ઉપરાંત ૩૫ સીએનજી બસ એએમટીએસનાં ઓપરેશન માટે અપાઈ છે. સ્વર્ણિમ જયંતી યોજનાની ગ્રાન્ટથી ૭૫ મિડિયમ બસ પણ રાજ્ય સરકાર એએમટીએસને ફાળવી રહી છે. એએમટીએસના વહીવટકર્તાઓ ધારે તો નવી ૭૫ મિડિયમ (મીડી) બસનું સંચાલન સ્વયં કરીને દૈનિક એક કરોડની જંગી ખોટના ખાડામાં ધકેલાયેલી સંસ્થાને મદદરૂપ થઈ શક્યા હોત. આના બદલે ખાનગી ઓપરેટરોને નવી ૭૫ બસ ચલાવવા માટે સોંપીને આ ઓપરેટરોની તિજોરીને નાણાંથી છલોછલ ભરવા જઈ રહ્યા છે. એએમટીએસ દ્વારા તમામ ૭૫ નવી મિડિયમ બસના ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી ઓપરેટરોને આપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જોકે આ નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે કેમ કે ખુદ તંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ખાનગી ઓપરેટરોને આ પ્રકારે નાણાકીય લાભ અપાવવાનું સમર્થન કરતા નથી. આ ઉચ્ચ અધિકારીઓ નામ ન છાપવાની શરતે કહે છે, ‘જો એએમટીએસ પોતે જ નવી બસ ચલાવે તો સંસ્થાને વધુ આર્થિક ફાયદો થઈ શકે તેમ છે.’
જોકે ખાનગી ઓપરેટરોને પ્રતિ કિ.મી. રૂ.૩૦થી ૩૨ ના હપ્તે નવી નક્કોર ૭૫ મિડિયમ બસ ચલાવવા અપાવાની જ છે. ખુદ ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહે આ બાબતનું સમર્થન આપ્યું છે. આર્જવ શાહ કહે છે, ‘નવી બસ ઓ એન્ડ એમના ધોરણે ખાનગી ઓપરેટરો ચલાવશે. જોકે આનાથી સંસ્થાને કોઈ આર્થિક નુકસાન થવાનું નથી. સંસ્થાનો સ્પેરપાર્ટસ, ડીઝલ અને ડ્રાઈવરનો ખર્ચ બચવાનો છે.’ ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ એમ પણ કહે છે, સુરતમાં ખાનગી ઓપરેટરો જે તે બસની ચેચિસ પર બોડી બાંધીને આપે છે. અમદાવાદમાં પણ ખાનગી ઓપરેટરો પાસે સુરત પેટર્નનો આગ્રહ રખાશે. એટલે સંસ્થાનો એટલો ખર્ચ બચશે. એએમટીએસના સત્તાવાળાઓ કહે છે, “સરકારી ગ્રાન્ટની મદદથી આવનારી ૭૫ મિડિયમ બસની ચેચિસ પર બોડી બાંધવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. જોકે તમામ નવી બસ રોડ પર મુકાતાં હજુ પાંચેક મહિના સમય લાગશે. ઓક્ટોબર અંત સુધીમાં નવી ૬૫ મિડી. બસ દોડતી થશે.”

You might also like