નારોલમાં દાગીના લૂંટવાનો પ્રયાસ કરતાં ધાડપાડુને લોકોએ મારતાં થયું મોત

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યા, ચોરી, લૂંટના અનેક કિસ્સાઓ ઘટવાની જગ્યાએ ઉત્તરોત્તર વધી રહ્યા છે. પોલીસના ખોફ વગર ગુનેગારો બેફામ ગુનાખોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે નારોલ વિસ્તારમાં ધાડપાડુ ગેંગે આંતક મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

નારોલ વિસ્તારમાં આવેલ મરાઠા વાસમાં મોડી રાતે ધાડપાડુ ગેંગે ધાડ પાડીને સુતા લોકોનાં દાગીના લૂંટવાની કોશિશ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. જ્યાં લોકોએ ધાડાપાડુ ગેંગના એક સભ્યને પકડી પાડ્યો હતો અને તેને ઢોર માર માર્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસે મરાઠા વાસમાં ગઇ કાલે મોડી રાતે ધાડપાડુ ગેંગે તરખાટ મચાવ્યો હતો. મરાઠા વાસમાં લોકો સુતા હતા ત્યારે દાહોદથી એક ગેંગ જેમાં સાતથી આઠ ધાડપાડુ હતા. જે ઘાડ પાડવા માટે આવી હતી. ગેંગે મહિલા, યુવતીના ગળામાંથી સોનાની ચેઇન, બુટ્ટી વગેરે લૂંટવાની કોશિશ કરતાં લોકોએ બુમાબુમ કરી હતી.

લૂંટ કરતી વખતે ગેંગના સભ્યોએ મહિલાઓ ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. મરાઠા વાસમાં રહેતા રહીશો ઊઠી જતાં ધાડપાડુ ગેંગ ફરાર થઇ ગઇ હતી. જોકે એક ધાડપાડુને લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ ધાડપાડુને લાકડીઓ અને ધોકા વડે ફટકાર્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા લઇને નારોલ પોલીસનો કાફલો મોડી રાતે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોના મારથી અધમુઆ થઇ ગયેલા ધાડપાડુને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને પણ સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

લોકોએ એટલી હદે ધાડપાડુને ફટકાર્યો હતો કે તેનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી રાતે થયેલી ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ પણ એલ.જી.હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ઝોન ૬ના ડીસીપી, એસીપી, તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અને બીજા ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી ગયા હતા. મરનાર ધાડપાડુ કોણ છે તે જાણવા માટે પોલીસ તજવીજ શરૂ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર દાહોદનો વતની છે અને તેનું નામ ગોરધન રતનાભાઇ ભાભોર છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મોડી રાતે સાતથી આઠ લોકો ઘાતકી હથિયાર લઇને ધાડ પાડવા માટે આવ્યા હતા. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે અન્ય ધાડપાડુ ગેંગને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ધાડપાડુના મોત મામલે સ્થાનિકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પોલીસે ગોરધનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને મોડી રાતે હકીકતમાં શી ઘટના ઘટી હતી તે જાણવાની તજવીજ શરૂ કરી છે. ધાડપાડુ ગેંગ શ્રમજીવી લોકોનાં ત્યાં ધાડ પાડવા માટે જાય તે વાત પોલીસના ગળે ઊતરતી નથી.

You might also like