શહેરીઓ કાલે ઊઠીને સીધા બેન્ક-પોસ્ટ ઓફિસ તરફ દોટ મૂકશે

અમદાવાદ: ગઇ કાલે સરકારે ચલણમાંથી અચાનક જ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દીધી છે તથા આવતી કાલે એટલે કે ગુરુવારથી જૂની નોટોના બદલામાં નવી ચલણી નોટો આપવા માટે બેન્કોમાં વ્યવસ્થા કરાઇ છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ગભરાટ તથા અફરાતફરીનો માહોલ ઊભો ન થાય તે માટે બેન્કો ખાસ વ્યવસ્થા ઊભી કરશે. આરબીઆઇએ આ માટે કંટ્રોલરૂમ પણ શરૂ કર્યા છે. કંટ્રોલરૂમનો નંબર ૦૨૨-૨૨૬૦૨૨૦૧/૨૨૬૦૨૯૪૪ છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પણ ધસારાના કારણે સરળતાથી ખૂલતી ન હતી.

એ જ પ્રમાણે પોસ્ટ ઓફિસમાં પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે રાતોરાત રૂ.પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો બંધ કરતાં તથા તેના બદલામાં આવતી કાલથી નવી નોટોનું બેન્ક અને પોસ્ટ ઓફિસમાં વિતરણ કાર્ય શરૂ કરવાના નિર્ણયથી આવતી કાલથી બેન્કમાં અને પોસ્ટ ઓફિસમાં ભારે ભીડ જોવા મળે તેવી શકયતા છે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે બેન્કમાં નોટો બદલવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આવા સંજોગોમાં બેન્કમાં અવ્યવસ્થા ઊભી ન થાય તથા લોકો શાંતિથી નોટો બદલાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

૫૦૦ અને ૧૦૦૦ની ચલણમાંથી રદ કરવામાં આવેલી નોટો બદલવાની કાર્યવાહી દરમિયાન અસાધારણ લેવડદેવડ બેન્કના ધ્યાનમાં આવે તો તેની જાણ પણ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ તથા ટેક્સ ઓથોરિટીને કરવામાં આવશે તથા તે લોકોની તપાસ કરાશે.

આ અંગે મહાગુજરાત બેન્ક એસોસિયેશનના ઓનરરી જનરલ સેક્રેટરી કે. વી. બારોટના જણાવ્યા અનુસાર સરકારે રૂ.પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોને રદ કરી દીધી છે. આવતી કાલથી આ નોટોના બદલામાં બેન્ક નવી નોટો આપશે. બેન્ક મેનેજમેન્ટ દ્વારા સામાન્ય લોકોને નાણાં બદલવાના વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે કર્મચારીઓને સહકાર આપવા માર્ગદ‌િર્શકા જાહેર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે પ૦ દિવસનો પૂરતો સમય આપ્યો છે. તેથી ગભરાટ કે ચિંતા રાખવાની હાલ કોઇ જરૂર નથી. લોકો સરળતાથી બેન્કના કામકાજના સમય દરમ્યાન નાણાં બદલી શકશે.

You might also like