માણસની માયાના બદલે મિલકતની માયા વધી ગઈ

કોઈ કોઈ વાર મનમાં એવો પ્રશ્ન ઊઠે છે કે આજકાલ માણસને માણસની માયાના બદલે મિલકતની માયા વધી રહી હોય એવું નથી દેખાતું? એક સંબંધીએ આ બાબતે એવું કહ્યું કે મારા પડોશમાં એક વિધવા બહેન રહે છે. તેમનો નાનકડો બંગલો તેમના નામ પર હતો. પતિના અવસાન પછી એ બહેનના એકના એક પુત્રે કાંઈ સહી-સિક્કા કરાવીને એ મકાન પોતાની પત્નીના નામે કરાવી લીધું, પછી તો પુત્રે માતાને કહ્યું: “અત્યારે કેટલી મોંઘવારી છે! એટલે મારા પિતાએ જે રકમ ફિકસ્ડ ડિપોઝિટ તરીકે મૂકી હતી અને જેનું વ્યાજ તમને મળે છે તે પાસે રાખવાના બદલે મને આપી દો! મારી આવકમાં મારું-મારી પત્નીનું પણ પૂરું થાય તેમ નથી.” માતાને ત્યાં સુધી પણ વાંધો નહોતો, પણ પછી તો માતાના તમામ નાના-મોટા ખર્ચની જવાબદારી ઉઠાવવા પુત્ર તૈયાર નહોતો!
માનવાનું મન ના થાય પણ સાચી વાત એ છે કે માતાના માટે પુત્રના ઘરમાં રહેવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય બની ગયું. એક દિવસ વ્યથિત માતાએ પુત્રને કહ્યું: “દીકરા, મારી તબિયત નરમ-ગરમ રહે છે પણ મારી દવાદારૂ કરવાના પૈસા નથી. તારી પત્ની કહે છે કે આટલી ઉંમરે મારે કઠણ બનવું જોઈએ. માથું તો દુઃખે!

શરીરમાં કળતર તો થાય. કોઈ કોઈ વાર તાવ-શરદી પણ થાય! આ બધો ઉંમરનો પ્રભાવ છે. દવાદારૂનો વિચાર કરવાના બદલે આ બધું વેઠી લેવું જોઈએ.

મને લાગે છે કે મારો ખાલી અમથો ભાર તો શું પણ, પણ મારી માત્ર હાજરી તમારાથી વેઠાતી નથી! તમે એક કામ કરો, મને ઝેરની પડીકી આપો. હું તે પીને પોઢી જઈશ!”

પુત્ર કાંઈ જવાબ વાળે તે પહેલાં તેની પત્નીએ કહ્યું: “તમે ઝેર લઈને મરી જશો પણ કદાચ આરોપ તો અમારા પર જ આવશે! અમે જ તમને ઝેર આપ્યું! આ તો સગાં દીકરા-વહુને ફસાવવાનો ધંધો છે.”

એક દિવસ વહેલી સવારે ભૂખી-તરસી માતા આંખ મીંચીને ઘર છોડી ગઈ. ક્યાં જવું તેની ખબર તેને નહોતી. અડધા રસ્તે ક્યાંક તે બેભાન થઈ પડી ગઈ. તેના સારા નસીબે એક પ્રૌઢ ઉંમરનો માણસ જાતે મોટર ચલાવતો ત્યાંથી પસાર થયો. તે આ સ્ત્રીને પોતાને ઘેર લઈ ગયો. ડૉક્ટરને બોલાવ્યા. રોગ તો નહોતો પણ માનસિક પીડા અને અપૂરતા ખોરાક અને ઊંઘના અભાવથી તેની આ સ્થિતિ થઈ હતી.

શરીરમાં શક્તિ આવતાં એ બહેને કહ્યું: “ભાઈ, તમારો આભાર માનું એટલો ઓછો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને તમારાં બધાં જ સત્કૃત્યોનો બદલો આપે! હું હવે રજા માગું છું, મને રજા આપો.”

એ માણસ કાંઈ પણ બોલે તે પહેલાં તેની પત્નીએ કહ્યું: ‘બા, તમે અમારી રજા લઈને ક્યાં જવા માગો છો એ કહો!’ ભાઈએ કહ્યું, ‘મારી સગી મા તો બાળપણમાં મને મૂકીને મૃત્યુ પામી. તમે મારા ઘેર આવ્યાં અને મને લાગે છે કે મા હોય તો તમારા જેવી જ હોય! હવે તમારે ક્યાંય જવાનું નથી. હું માનું છું કે ઈશ્વરે જ તમારા સ્વરૂપે મારી માતાને મારી પાસે મોકલી છે.

મારો કે મારી પત્નીનો કોઈ વાંક દેખાય તો બેધડક અમને ઠપકો આપજો! અને બહુ જ ગુસ્સો ચઢે તો તમે ચાલ્યાં ના જશો-અમને આ ઘરમાંથી કાઢી મૂકજો!”

ત્યાં તો એ ગૃહસ્થનો દસ-બાર વર્ષનો પુત્ર મોસાળથી પાછો ફર્યો. ગૃહસ્થે કહ્યું: “બા, આ તમારો એક માત્ર પૌત્ર અને અમારો એકમાત્ર પુત્ર!” બહેનની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. ભાઈએ કહ્યું: “મા, બીજું જે કરવું હોય તે કરજો, કદી રડશો નહીં. તમારી આંખમાં આંસુ આવશે તો તે અમને કોઈને નહીં ગમે. તમારાં આંસુ અમારાથી સહન જ નહીં થાય!” દિવસો સુધી રડી રડીને થાકેલી એ નારીની આંખમાં પહેલી જ વાર આંસુરૂપે જે સ્મિત ચમક્યું. એ આંખોમાં નવું તેજ-નવી ચમક જોવા મળી.
આજનો સમાજ ભૌતિકવાદથી પ્રેરિત થઇ રહ્યો છે અને દરેક બાબતને રૂપિયાના સંદર્ભમાં જ વિચારે છે. જે પુત્રએ માતાને નાણાકીય સહિત તમામ મદદ કરવી જોઇએ તેના બદલે ઘણી વાર પુત્ર પોતાની પત્નીની ચડામણી અને ઉશ્કેરણીથી માતા પાસેથી પૈસાની માગણી કરે અને માતાને આંસુ સરાવે એ પુત્ર અને તેનો પરિવાર ક્યારેય સુખી થતો નથી. માતાને આંસુ સારવાની વાત તો એક બાજુએ રહી વાસ્તવમાં પુત્રએ તો માતાનાં આંસુ લૂછવાં જોઇએ.
– લેખકનાં પુસ્તકમાંથી

You might also like