ગુજરાતભરમાં શરૂ થયેલા ઠંડીના છેલ્લા રાઉન્ડમાં લોકોએ હાડ ‌થીજાવતી ઠંડી અનુભવી

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં શરૂ થયેલા ઠંડીના નવા અને છેલ્લા રાઉન્ડમાં લોકો હાડ ‌થીજાવતી ઠંડી અનુભવી રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો સપાટો યથાવત્ રહ્યો હોઇ આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ ૧૦-૧૧ ડિગ્રીની આસપાસ રહેશે તેવી હવામાનખાતાની આગાહી છે.
શહેરીજનોએ વિદાય લેતા શિયાળાનો વધુ એક ઠંડો દિવસ આજે અનુભવ્યો હતો.

આજે શહેરમાં નોંધાયેલી ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસ ઠંડી સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછી હતી. જ્યારે ગઇ કાલે મહત્તમ તાપમાન ર૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, લઘુતમ અને મહત્તમ બંને તાપમાનમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો નોંધાતાં અમદાવાદમાં મોડી સાંજ બાદ વાહનોની અવરજવર પણ ઘટી ગઇ હતી.

દરમિયાન આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૯ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. રાજ્યના અન્ય પ્રમુુખ શહેરોની ઠંડી તપાસતાં ડીસા ૧૦.૩, વડોદરા ૧ર.૧, સુરત ૧ર.૮, રાજકોટ ૧૧.૮, ભાવનગર ૧૪, પોરબંદર ૧૩.૪, વેરાવળ ૧૪.પ, દ્વારકા ૧૬, ઓખા ર૦.ર, ભૂજ ૧૩.૪, નલિયા ૧૦.૦, સુરેન્દ્રનગર ૧૩.૪, ઇડર ૧૪.૮, અમરેલી ૧૧.૮ દીવ ૧૦.૩, વલસાડ ૧૦.૧ અને વલ્લભવિદ્યાનગર ૧૩.ર ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આજે વડોદરા, સુરત, પોરબંદર, વેરાવળ, દ્વારકા, ભૂજ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં શીતલહેર ફરી વળી હતી.

દરમિયાન સ્થાનિક હવામાન કચેરીનાં સૂત્રોએ રાજ્યભરમાં આગામી ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીનું જોર જળવાઇ રહેશે તેવી આગાહી કરી છે.

You might also like