નળકાંઠા વિસ્તારના લોકો હવે પક્ષીઓનો શિકાર કરશે નહીં

અમદાવાદ : નળકાંઠા ગામ વિસ્તારના લોકોએ હવે અમે પક્ષીઓનો શિકાર નહિ કરીએ તેવા સંકલ્પ સાથે પક્ષી મારવાની જાળ સુપ્રસિધ્ધ રામકથાકાર મોરીરીબાપુના ચરણમાં અર્પણ કરી હતી આ વિભાગના ગામોમાં ‘પક્ષીઓનું રક્ષણ અને પ્રકૃતિનું જતનના’ મંત્ર સાથ ત્રિદિવસીય પદયાત્રા યોજાઈ હતી.નળકાંઠા આસપાસના ગામોમાં રહેતા લોકોના જીવનનિર્વાહનું મુખ્ય માધ્યમ એટલે નળસરોવર… સહેલાણીઓને નૌકાવિહાર કરાવવો, તેમના માટે ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાન ચલાવતા પરિવારોમાંથી કેટલાંક લોકો પક્ષીઓનો શિકાર પણ કરતા હતા.

પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ અટકાવવા વનવિભાગે પણ અનેક પ્રયત્નો હાથ ધર્યા છે.સાણંદ સ્થિત ‘માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ”પક્ષીઓનું રક્ષણ – પ્રકૃતિનું જતન”ના મંત્ર સાથે આ વિસ્તારના ગામોમાં ત્રિદિવસીય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાના સમાપન પ્રસંગે સુપ્રસિધ્ધ રામકથાકાર મોરારીબાપુના ચરણોમાં ૩૫ લોકોએ પક્ષીઓનો શિકાર નહીં કરવાના સંકલ્પ સાથે પોતાની જાળ અર્પણ કરી હતી.

આ લોકોને વૈકલ્પિક રોજગારી માટે વન વિભાગ તરફથી ૩ બોટ આપવાની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી હતી.નળકાંઠા વિસ્તારમાં આવું સેવા કાર્ય કરનાર માનવ સેવા ટ્રસ્ટને બિરદાવી મોરારીબાપુએ કહ્યું કે, ગુજરાત પક્ષીઓનું પિયર લેખાય છે. દેશ-વિદેશમાંથી લાખો પક્ષીઓ અહીં આવે છે. આ ઉપરાંત પુરાણ-શાસ્ત્રોમાં પણ આપણી સભ્યતા બચાવવા જટાયુ પક્ષીનો ઉલ્લેખ છે. હંસ, સારસ, પોપટ, મોર વગેરે પક્ષીઓનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ત્યારે આવા પક્ષીઓનું જતન સંરક્ષણનો કાર્યક્રમ એ મારા માટે  તીર્થયાત્રા કરવા સમાન છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે શિકાર નહીં કરવાના સંકલ્પને આવકારી જણાવ્યું કે, આ લોકોએ રાજી થઈને પોતાની જાળ મૂકી દીધી છે ત્યારે તેમના માટે વૈકલ્પિક રોજગારી ઊભી થવી જોઈએ. આ માટે તેમણે પોતાના તરફથી એક બોટ આપવાની જાહેરાત કરી હતી. આ માટે રૃ. ૫૧૦૦૦નું દાન પણ આપ્યું હતું. રવિભાણ સાહેબની જગ્યાના મહંત શ્રી જાનકીદાસ બાપુએ પણ પોતાના તરફથી એક બોટ આપવાની જાહેરાત કરી હતી.

You might also like