અહીં લોકો બહુ પ્રોફેશનલ હોય છેઃ મીરાં ચોપરા

મુંબઇઃ સતીશ કૌશિકના નિર્દેશનમાં બે વર્ષ પહેલાં બનેલી ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર મીરાં ચોપરાની આ ફિલ્મ કંઇ કમાલ ન કરી શકી અને તેણે સાઉથ તરફ જવું પડ્યું. હવે તેની બીજી ફિલ્મ ‘1920 લંડન’ રિલીઝ થવા જઇ રહી છે. ટીનુ દેસાઇના નિર્દેશનમાં બનેલી આ હોરર ફિલ્મનું નિર્માણ વિક્રમ ભટ્ટે કર્યું છે. વિક્રમ ભટ્ટે 2008માં ફિલ્મ 1920 બનાવી હતી જ્યારે ‘1920 લંડન’ તેનો ત્રીજો ભાગ છે. ફિલ્મમાં શરમન જોષી લીડ રોલમાં છે.
મીરાં ચોપરા પ્રિયંકા ચોપરાની કઝિન છે, પરંતુ તે કહે છે પ્રિયંકા જેવી મોટી સુપરસ્ટારની બહેન હોવાનો કોઇ ફાયદો મને અહીં મળ્યો નથી. પ્રિયંકાની બહેન હોવાના કારણે એક ફાયદો એ થયો છે કે ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સાથે સારી રીતે વાત કરે છે, કંઇ ખરાબ વર્તન કરતા નથી. બસ, તેનાથી વધારે કંઇ જ નહીં. અહીં લોકો બહુ પ્રોફેશનલ હોય છે, બધું તમારે જાતે કરવું પડે છે. પ્રિયંકા અંગે વાત કરતાં મીરાં કહે છે, પ્રિયંકા ખરેખર બેસ્ટ અભિનેત્રી છે. હું તેના કામથી ખૂબ પ્રભાવિત છું. મારા મત મુજબ તે મોટી સુપરસ્ટાર છે. તેણે તમામ પ્રકારના રોલ કર્યા છે, હું દી‌પિકા પદુકોણના કામથી પણ ખૂબ પ્રભાવિત છું.
મીરાં ફિલ્મો- માં આવવા ઇચ્છતી ન હતી, તે પત્રકાર બનવા ઇચ્છતી હતી અને તેથી તેણે અમેરિકામાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. મીરાં કહે છે, હું સાઇડમાં મોડલિંગ પણ કરતી હતી. મારી એક એડ્ જોઇને મને તામિલ ફિલ્મ કરવાનો પ્રસ્તાવ આવ્યો. આ રીતે મારી ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ ગઇ. મીરાં સલમાનની બહુ મોટી પ્રશંસક છે. ખાનનો ખાન સલમાન બહુ કમાલની વ્યક્તિ અને કલાકાર છે તે અંગે વાત કરતાં મીરાં કહે છે, સલમાન સાથે કામ કરવા મળે તો મજા પડી જાય.

You might also like